બેંગલુરુઃ એક સ્વૈચ્છિક સંસ્થાની બહાર ચોકીદારી કરી રહેલા રવિ કુમાર તે જ સંસ્થાન સૌથી મોટા ડોનર પણ છે. કોઇ આવું કહે તો કદી માન્યામાં ના આવે, પણ આ હકીકત છે. રવિ કુમારે પોતાની બચતના તમામ રૂ. 85 લાખ એનજીઓને દાન કર્યા અને ત્યાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરવા લાગ્યા, અને તે પણ એક પણ રૂપિયાના વેતન વગર. 2017માં બેંગલુરુની એનજીઓ ન્યૂ આર્ક મિશન ઓફ ઈન્ડિયાએ માનસિક રીતે અસ્થિર થઈને ભટકતા રવિ કુમારની સારવાર કરાવી હતી. ભાઈભાંડુઓએ તેમને ત્યજી દીધા હતા. એનજીઓની સારવારથી તેઓ સાજાસારા તો થઈ ગયા, પણ સાંસારિક જીવનની વરવી વાસ્તવિક્તા જોઇને તેમનું દિલ તૂટી ગયું હતું. તેઓ ઘરે પરત ગયા જ નહીં, પરંતુ તેમના ભાગે જે પૈતૃક સંપત્તિ હતી તે તમામ એનજીઓને દાનમાં આપી દીધી.
રવિ કુમારની ઉદારતાની સંસ્થાએ પણ નોંધ લીધી છે. સંસ્થાએ ઓફિસની બહાર પોતાના સૌથી મોટા ડોનર રવિ કુમારના નામ અને ફોટો સાથેની તકતી લગાવી છે. ન્યૂ આર્ક મિશન ઓફ ઈન્ડિયાના સંસ્થાપક થોમસ રજા કહે છે, ‘રવિએ આપેલા દાનના નાણાંમાંથી સંસ્થાએ જમીન ખરીદી છે, જ્યાં નિરાધાર લોકો માટે આવાસની સગવડ ઉભી કરાશે.