દિપાવલી પર્વે ફૂલ અને રંગોની રંગોળી તો સામાન્ય વાત છે, પરંતુ દુબઈના એક મોલમાં રચાયેલી રંગોળીએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. સાડા છ કિલો સોના અને હીરાના 213 મૂલ્યવાન દાગીનાથી તૈયાર થયેલી આ મૂલ્યવાન રંગોળી સહુના નજરનું કેન્દ્ર બની છે. પરંપરાગત ભારતીય કળા અને શાહી અંદાજનો આ અનોખો સંગમ સોશિયલ મીડિયા પર છવાયો હતો. એક જાણીતી જવેલરી બ્રાન્ડે દુબઇના પ્રખ્યાત સિટી સેન્ટર ડીરામાં આ અનોખી રંગોળી તૈયાર કરી હતી. દિવાળીની ઉજવણીને યાદગાર બનાવવા માટે બ્રાન્ડે ટ્રેડિશનલ ભારતીય રંગોળીના સ્વરૂપમાં વૈભવી દાગીના રજૂ કર્યા હતા. 2X2મીટરની આ રંગોળીમાં રંગ અને ફૂલોના સ્થાને સોના અને ડાયમંડથી બનેલી જવેલરીને સુંદર રીતે પ્રદર્શિત કરાઇ હતી, જેને ‘ગોલ્ડન રંગોળી’ નામ અપાયું હતું. તેની સાથે જ તેમાં કેટલાક અતિ મૂલ્યવાન સ્ટોન્સનો પણ ઉપયોગ કરાયો હતો.


