દેખાવ અસલી, પણ અસ્તિત્વ આભાસી

Tuesday 14th June 2022 07:04 EDT
 
 

મુંબઇઃ આ મોડેલને જોઈને કોઈ પણ વ્યક્તિ પહેલી જ નજરે તેના પ્રેમમાં પડી જાય તો નવાઇ નહીં, પણ કાયરા નામની આ મોડેલનું વાસ્તવમાં અસ્તિત્વ જ નથી. તે વર્ચ્યુઅલ ક્રિએશન છે. તેનું અસ્તિત્વ આભાસી છે. ભારતમાં વર્ચ્યુઅલ ઈન્ફ્લુઅન્સરની ભૂમિકા ઘણી લોકપ્રિય થઈ રહી છે. તેમાં દેશની સૌપ્રથમ વર્ચ્યુઅલ ઈન્ફ્લુઅન્સરના સ્વરૂપમાં પ્રસ્થાપિત થનારી કાયરાના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સનો આંકડો એક લાખને આંબવાની તૈયારીમાં છે. તેના ફોટો અને રિલ્સ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. કાયરા ક્યારેક બ્રેકફાસ્ટનો આનંદ ઉઠાવતી દેખાય છે તો ક્યારેક જયપુરના હવામહેલમાં પોઝ આપતી દેખાય છે. યોગથી લઈને ફોટોશૂટ કરાવતા અને સ્વિમિંગ પુલના કિનારે ચાલતા તેના રિલ્સ વાઇરલ્સ થઈ રહ્યા છે.
કેટલાય લોકો કાયરાને અસલી માનવી સમજી રહ્યા છે. કાયરા ભારતની સોશિયલ મીડિયા કંપનીનું સર્જન છે. તેના અવતારને ભારતનો પ્રથમ મેટાઈન્ફ્લુઅન્સર બતાવવામાં આવ્યો છે. તેને મેટાવર્સ માટે બનાવવામાં આવી છે. કાયરાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ મુજબ તે એક ડ્રીમ ચેઝર, મોડેલ અને ટ્રાવેલર છે. તેનું નિર્માણ કરનાર સોશિયલ મીડિયા કંપનીના બિઝનેસ હેડે જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે કાયરા એક ઈન્ફ્લુઅન્સરથી આગળ હોય. તે વેબની એક ઈન્ડિપેન્ડન્ટ ઈન્ફ્લુઅન્સર હોય. અમે ઈચ્છીએ છીએ કે તે પોતે સોશિયલ મીડિયા ટ્રેન્ડ જુએ અને તેના આધારે પોતાનું કન્ટેન્ટ ક્રિએટ કરે. અમે ટેક્નિકલ પાર્ટનર્સ સાથે મળીને તેના પર કામ કરી રહ્યા છીએ. વર્ચ્યુઅલ ઈન્ફ્લુઅન્સરની ગ્લોબલ કોમ્યુનિટીનો એક હિસ્સો બનવા માટે કાયરાએ ગયા માર્ચમાં યોજાયેલા ફેશનવીકમાં પણ હિસ્સો લીધો હતો. અહીં વિશ્વની મોટી મોટી બ્રાન્ડ્સ આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter