રાયસેન (મધ્ય પ્રદેશ)ઃ પોતાના ગર્ભમાં લાખો વર્ષોના વણઉકેલ્યા રહસ્યો સમેટીને બેઠેલી નર્મદા ખીણ ફરી એકવાર વિશ્વભરના વિજ્ઞાનીઓ અને પુરાતત્વ સંશોધકો માટે કુતૂહલનું કેન્દ્ર બની ગઈ છે. મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના નર્મદા કિનારે આવેલા પતઈ ઘાટ પર પ્રાગૈતિહાસિક કાળના એક વિશાળકાય હાથીનું નીચલું જડબું અને પાંસળીના હાડકાંના દુર્લભ જીવાશ્મ મળ્યા છે.
વરિષ્ઠ વિજ્ઞાનીઓના પ્રાથમિક વિશ્લેષણ મુજબ, આ જીવાશ્મ આશરે ચારથી પાંચ લાખ વર્ષ જૂનું હોઈ શકે છે. તેની બનાવટ અને દાંતની વિશિષ્ટ રચનાના આધારે તેને ધરતી પર વિચરણ કરનારા સૌથી વિશાળકાય હાથીઓમાંના એક ‘પેલિયોલેક્સોડોન નિમેડિક્સ’ પ્રજાતિનો માનવામાં આવી રહ્યો છે, જેની ઊંચાઈ આશરે ચારથી પાંચ મીટર અને અંદાજિત વજન 18 થી 22 ટન સુધી રહ્યું હશે. પતઈ ઘાટ પર મળેલા આ જીવાશ્મના જડબાની લંબાઈ આશરે 75 સેમી અને પહોળાઈ 25 સેમી છે. તેના દાંતની બનાવટ, સમાંતર હરોળ, ઉપસેલી ધારીઓ અને પહોળી હડપચી તેને પ્રાગૈતિહાસિક વિશાળકાય હાથી પેલિયોલેક્સોડોન નિમેડિકસ સાથે જોડવાની શક્યતાને ખૂબ મજબૂત બનાવે છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે આ જીવ આધુનિક હાથીઓની સરખામણીમાં અનેકગણો વિશાળ હતો. જોકે, તેની વાસ્તવિક પ્રજાતિ અને ઉમર જાણવા માટે હજુ વધુ ઊંડું સંશોધન જરૂર છે.
વિસ્તારમાં વધુ અવશેષો દબાયેલા હોવાની શક્યતા
પીળી માટીના સ્તરમાંથી આ જડબું મળ્યા બાદ વિજ્ઞાનીઓ માને છે કે પતઈ અને આસપાસના સમગ્ર નર્મદા કિનારાની નીચે હજુ પણ ઘણા દુર્લભ હાડકાંના અવશેષો દબાયેલા હોઈ શકે છે. તેથી આ સમગ્ર વિસ્તારમાં વ્યવસ્થિત ખોદકામ, વૈજ્ઞાનિક સંશોધન અને સુરક્ષાની નક્કર વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. વિજ્ઞાનીઓ અને સંશોધકોએ પતઈ અને આસપાસના નર્મદા વિસ્તારને ‘જીવાશ્મ સંરક્ષિત વિસ્તાર' જાહેર કરવાની જોરદાર માગ ઉઠાવી છે. આ વિસ્તારના સંરક્ષણ માટે યુનેસ્કોને પણ દરખાસ્ત મોકલાઇ હોવાના અહેવાલ છે.


