ન્યૂ ઝીલેન્ડમાં મૂડ બેન્ક

Friday 19th August 2016 05:09 EDT
 
 

વેલિંગ્ટન: બેન્કમાં સામાન્ય રીતે રોકડનો વ્યવહાર થાય છે, પરંતુ ન્યુઝીલેન્ડના વાંગરે શહેરમાં દુનિયાની પહેલી મૂડ બેન્ક શરૂ કરવામાં આવી છે. એક એટીએમ મશીન જેવી બેન્ક છે. અહીં લોકો પોતાનું સ્ટેટ ઓફ માઇન્ડ એટલે કે મૂડ જમા કરાવી શકે છે. પ્રોજેક્ટને શરૂ કરનારી કલાકાર વેનિસા ક્રોનું કહેવું છે કે, દિવસેને દિવસે લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે. તેનું કારણ કામનું વધી રહેલું ભારણ તેમજ સામાજિક પણ છે. બેન્કની શરૂઆત કરવા પાછળનો આશય લોકોના મૂડ વિશે માહિતી મેળવવાનો છે. લોકો બેન્કમાં પોતાનો ગુસ્સો, પ્રેમ, તે વખતની તેમની મનોસ્થિતિ બધું ડિપોઝિટ કરાવી શકે છે. અહીં મૂકવામાં આવેલા મશીન ઉપર તેમનો બળાપો પણ કાઢી શકે છે. મશીનમાંથી મળનારા ડેટાનું આની સાથે સંકળાયેલા રિસર્ચમાં મોટું યોગદાન બની શકે છે. શહેરના લોકોની માનસિક સ્થિતિ વિશેનો પણ સચોટ કયાસ કાઢી શકાય છે. વેનિસાના જણાવ્યા અનુસાર મશીનને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. અત્યાર સુધી હજારો લોકો તેનો ઉપયોગ કરી ચૂક્યા છે. મૂડ બેન્ક ખૂબ પ્રખ્યાત બની રહી છે. ટૂંક સમયમાં અમે તેને અન્ય શહેરોમાં પણ શરૂ કરીશું. બેન્કની સોશિયલ મીડિયા ઉપર પણ સારી એવી ચર્ચા છે. લોકોમાં બેન્કમાં ખાતું ખોલાવવા અંગે અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે તેમની પાસે ખુશીઓ અને દુ:ખોનો ભંડાર રહેલો છે. જો પ્રયાસ કરવામાં આવે તો ખુશી અને દુ:ખોની ક્રેડિટ અને ડિપોઝિટ પણ કરી શકાય છે. વેનિસાના જણાવ્યા અનુસાર મશીનો ઉપર એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેના કારણે માણસ ભાવનાત્મક રીતે ખૂબ કઠોર, મશીન જેવો બની રહ્યો છે.

અમારા પ્રોજેક્ટનો ઉદ્દેશ છે કે મશીન માણસને ભાવનાઓ વ્યક્ત કરવા માટે પ્રેરણા પણ આપી શકે છે. ગ્રૂપના પ્રવક્તા એસ હોલોએ જણાવ્યું હતું કે લોકોએ સમજવું પડશે કે માત્ર રૂપિયા કમાવા ઉપરાંત પણ જીવનમાં અગત્યની બાબતો છે.

મશીનની કામ કરવાની પદ્ધતિ

જ્યારે તમે મશીન પાસે પહોંચો છો ત્યારે તે તમને પૂછે છે કે આજે તમે શું અનુભવી રહ્યા છો તેનો જવાબ આપવા માટે તમારી પાસે એક હજાર કરતાં વધારે વિકલ્પો હશે. જવાબોને તમે તમારી રીતે બદલી પણ શકો છો. જેવો તમારો મૂડ મશીનમાં ફીડ થાય છે કે એક એકનોલેજમેન્ટ સ્લિપ મળે છે.




to the free, weekly Gujarat Samachar email newsletter