દક્ષિણ થાઇલેન્ડની સવાર નાના પંખીઓના મીઠા સ્વરોથી ગુંજી ઉઠે છે. બર્ડ સિંગિંગ કોન્ટેસ્ટ એ થાઈલેન્ડની વર્ષો જૂની પરંપરા છે. જે સામાન્ય સવારને મહોત્સવમાં ફેરવી દે છે. યાલા, નરાથીવાત અને પટ્ટાની જેવા પ્રાંતોમાં આ સ્પર્ધાઓ યોજાય છે. જ્યાં, રેડ-વિસ્કર્ડ બલ્બુલ નામના નાનકડાં પંખીઓ ભાગ લે છે. માલિકો તેમને સુંદર પિંજરામાં લાવે છે અને લાંબા સ્ટીલના પીલર પર તેને લટકાવે છે. સંકેત મળતા જ વાતાવરણ સંગીતમય બની જાય છે. દરેક સ્વર, તાન અને કલરવને નિર્ણાયકો ધ્યાનથી સાંભળે છે. સુરની મીઠાશ, અવાજની તીવ્રતા, લય અને વિવિધતા જેવા વિવિધ માપદંડના આધારે નિર્ણય લેવાય છે. કોઈ પંખી જો અનોખું ગાય તો આખી ભીડ શાંત થઈ જાય છે અને તે પંખી માટે તાળીઓ વગાડે છે. સ્થાનિકો માટે આ માત્ર સ્પર્ધા નથી તે સંસ્કૃતિ છે. માન્યતા છે કે આ પંખીઓ સૌભાગ્ય અને સુખસમૃદ્ધિ લાવે છે. પુરસ્કારમાં ટ્રોફીથી લઈને હજારો બાથ (થાઇ ચલણ) સુધીના રોકડ ઈનામ આપવામાં આવે છે. પરિવારો ખાસ ખોરાક, ટ્રેનિંગ અને સંભાળ સાથે પંખીઓને તૈયાર કરે છે. કેટલાક લોકો માત્ર બેસ્ટ મ્યુઝિક સાંભળવા માટે લાંબી મુસાફરી કરીને અહીં પહોંચે છે.


