પિતૃપ્રેમનું પ્રતીક

વૃદ્ધ પિતાની સુરક્ષા માટે પુત્રે તાડના વૃક્ષ ફરતે સીડી બનાવી

Friday 31st July 2026 09:12 EDT
 
 

ચેન્નઇઃ તમિલનાડુના સલાઈપુથુર ગામમાંથી એક એવો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે, જેણે પિતા-પુત્રના લાગણીભર્યા સંબંધની સુંદર મિસાલ કાયમ કરી છે. ગામમાં વસતા દિનાકર નામના ખેડૂતપુત્રે પોતાના 70 વર્ષના વૃદ્ધ પિતાની સુરક્ષા માટે એક અદ્ભુત અને હૃદયસ્પર્શી કામ કર્યું છે. દિનાકરનો પરિવાર પેઢીઓથી તાડીના વ્યવસાય સાથે જોડાયેલો છે. તેના 70 વર્ષીય પિતા વિતેલા પાંચ દસકા કરતાં પણ વધુ સમયથી આ કામ કરી રહ્યા છે, પરંતુ વધતી ઉંમર સાથે 55 ફૂટ ઊંચા ઝાડ પર ચડવું ખૂબ જ જોખમી બની ગયું હતું. પિતાને ઘણું સમજાવવા છતાં તેઓ ઝાડ પરથી તાડી ઉતારવાનું કામ છોડવા તૈયાર નહોતા. બીજી તરફ, દિનાકર પણ પિતાની સુરક્ષા સાથે બાંધછોડ કરવા તૈયાર નહોતો. પિતાનું આ જોખમ અને તકલીફ જોઈને દીકરાએ વચલો રસ્તો કાઢ્યો. દિનાકરે પિતાની સુરક્ષાને પ્રાથમિકતા આપીને 55 ફૂટ ઊંચા તાડીના વૃક્ષની ચારેય તરફ લોખંડની મજબૂત સીડી બનાવી દીધી, જેથી તેના પિતા કોઈ પણ ભય વગર સહેલાઈથી ઉપર ચડી શકે.

આધુનિક યુગમાં જ્યાં કેટલાક સંતાનો માતા-પિતાની સેવા કરવાને બદલે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. ત્યાં દિનાકરનો આ પ્રેમ અને આદર સમાજ માટે પ્રેરણાદાયી છે. આ અનોખા જુગાડ અને પિતા પ્રત્યેના પ્રેમના વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter