પુરાતન ઇન્ડીજીનિયસ ભાષાના માત્ર બે જ જાણકાર

Thursday 05th March 2015 07:21 EST
 

મેકસિકોઃ એ અભિવ્યકિતનું સશકત માધ્યમ છે. આથી જ તો ૨૧ ફેબુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. જોકે હકીકત એ છે કે દુનિયાની ૪૦૦થી પણ વધુ ભાષાઓ નામશેષ થવાને આરે ઉભી છે. આમાં મેકસિકોની ઇન્ડીજીનિયસ ઝોકયૂ આયપેન્નેકો ભાષાને જાણનારા તો માત્ર બે જ લોકો બચ્યા છે.
જોકે નવાઇની વાત એ છે બંને એકબીજાથી માત્ર ૫૦૦ મીટરના અંતરે રહેતા હોવા છતાં તેમના સ્વભાવનો મેળ ખાતો ન હોવાથી તેઓ એકબીજા સાથે વાત પણ કરતા નથી. આમ દુનિયાના નકશા પરથી ભાષા જ મટી જાય તેવા સંજોગો ઉભા થયા છે. બંને મેકસિકોના દક્ષિણી રાજય તબાસ્કાના અયપ્પા ગામમાં તેઓ રહે છે. આ ઇન્ડીજીનિયસ પ્રાચીન ભાષા જાણનારા બેમાં એક ૭૫ વર્ષના મેન્યુઅલ સેગોવિયા અને બીજા ૬૯ વર્ષના ઇસીદ્રો વેલ્ઝાકવ્ઝે છે.
સેગોવિયા હાલમાં ભલે ભાષા બોલતા ના હોય, પરંતુ ૧૦ વર્ષ પહેલા તેમના સગા ભાઇ સાથે અસ્ખલિત રીતે ઝોકયૂ આયપેન્નેકો નામની પ્રાચીન ભાષા બોલતા હતા. જોકે ભાઇના અવસાન બાદ તેમણે ભાષા બોલવાનું છોડી દીધું છે. તેમની પત્ની, પુત્ર અને છોકરાની વહુ કેટલાક શબ્દો સમજી શકે છે, પરંતુ તે બોલી શકતા નથી. સેગોવિયાએ કહ્યું હતું કે હું જયારે નાનો હતો ત્યારે તો અઢળક લોકો આ ઇન્ડીજીનિયસ ભાષા બોલતા હતા. આજે ભાષા સાવ એકલી પડી ગઇ છે આથી મારા મૃત્યુ સાથે ભાષા પણ મરી જશે.
મેકસિકોમાં ૭૦ જેટલી ઇન્ડીજીનિયસ ભાષા તથા ૩૬૪ જેટલી બોલીઓ પણ છે. જોકે સાવ પણ એવું નથી કે વેન્ટીલેટર પર જીવતી આ ભાષાને બચાવવા માટે પ્રયત્નો નથી થયા. જેમ કે, ઇન્ડિયાના યુનિવર્સિટીના એન્થ્રોપોલોજીસ્ટ વિભાગે પહેલી વાર ઇન્ડીજીનિયસ ભાષાનો શબ્દકોષ તૈયાર કરવા પ્રયત્નો કર્યો હતો, પરંતુ તેમાં ખાસ સફળતા મળી નહીં. આ ભાષા થોડી ઘણી બચે તે માટે કલાસીસ ચલાવવાના પણ પ્રયત્નો થયા, પણ અંગ્રેજી અને સ્પેનિશ ભાષાના પ્રભાવ હેઠળ જીવતી નવી પેઢીને જરા પણ રસ પડયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter