પૂણેઃ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર થયેલા વીડિયોમાં પૂણેમાં સાકાર થયેલા દેશના પ્રથમ 3-ડી પ્રિન્ટેડ વિલાએ લોકોમાં ભારે રસ જગાવ્યો છે. 2,038 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ વિલાનું નિર્માણ પરંપરાગત બાંધકામ પદ્ધતિના સ્થાને ચોકસાઈપૂર્વકની ઓટોમેશન થ્રી-ડી કોન્ક્રીટ પ્રિન્ટિંગ ટેક્નિક દ્વારા થયું છે. થ્રી-ડી પદ્ધતિથી સમગ્ર બાંધકામ કાર્ય માત્ર ગણતરીના દિવસોમાં પૂરુ કરાયું હતું અને વળી તે પરંપરાગત પદ્ધતિના સ્થાને વધુ સગવડદાયક બન્યું હતું. સમગ્ર બાંધકામમાં કાર્યક્ષમતા અને એકરૂપતા સુનિશ્ચિત કરતા વિશિષ્ટ થ્રી-ડી કોન્ક્રીટ પ્રિન્ટરે મહત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રોજેક્ટ ડાયરેક્ટરે ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી કે આ મકાન બાંધવામાં નથી આવ્યું, પણ પ્રિન્ટ કરવામાં આવ્યું છે અને તેમાં માળખું ઉભું કરવા માટે કોન્ક્રીટના સ્તર પદ્ધતિસર ગોઠવાયા હતા. બાહ્ય દિવાલોમાં બે સ્તરની વચ્ચે ડક્ટ્સ, પાઈપ અને વાયરો મુકવા માટે ખાલી જગ્યા રાખવામાં આવી હતી.
વિલાના અંદરના ભાગની વાત કરીએ તો, તેના વિશાળ લિવિંગ એરિયા અને બે બેડરૂમનું નિર્માણ તો ચાર મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન બાંધકામમાં થ્રી-ડી પ્રિન્ટિંગની સક્ષમતા અને ટકાઉપણું હાઈલાઈટ કરવામાં આવ્યું હતું. આ ટેક્નિકથી આર્કિટેક્ચરલ ક્રિએટિવીટીમાં વધારો થવા ઉપરાંત બાંધકામ સામગ્રીનો બગાડ પણ ઓછો થાય છે. વિલાની થ્રી-ડી પ્રિન્ટેડ દિવાલોમાં ઉચ્ચ કક્ષાનું ઈન્સ્યુલેશન હોવાથી અંદરનું તાપમાન પ્રમાણસર રહે છે અને ઊર્જાનો ઉપયોગ ઘટાડે છે. આ નવીતમ અભિગમે વ્યાપક ઓનલાઈન પ્રશંસા મેળવી છે તો વપરાશકર્તાઓએ તેને ભવિષ્યનું નિર્માણ ગણાવ્યું હતું.