પ્રેમસુખદાસઃ રાજસ્થાનનો માઉન્ટન મેન

Friday 28th August 2015 07:56 EDT
 
 

જોધપુરઃ બિહારના માઉન્ટન મેન પર બનેલી ફિલ્મ ‘માંઝી’ને કારણે આજકાલ દશરથ માંઝી ભારતીયોમાં બહુ લોકપ્રિય થઇ ગયા છે, પણ આવા જ એક માઉન્ટન મેન રાજસ્થાનમાં પણ છે અને તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. બિહારના દશરથ માંઝીએ પત્નીની યાદમાં પહાડને કાપીને રસ્તો બનાવ્યો હતો, જ્યારે રાજસ્થાનના પ્રેમસુખદાસે માતાની તકલીફ દૂર કરવા માટે કોદાળી-પાવડો લઈને પહાડ કોતરીને તળાવ બનાવ્યું છે.
જોધપુરથી ૬૦ કિલોમીટર દૂર નાંદિયાકલા ગામમાં રહેતા પ્રેમસુખદાસને સ્થાનિક લોકો માઉન્ટન મેન અથવા તો સંત કહીને બોલાવે છે. પ્રેમસુખદાસનું કહેવું છે કે મારી માને પાણી લાવવા માટે આખો પહાડ ચડીને જવું પડતું હતું અને તેની તકલીફ મારાથી જોઇ ન શકાઈ. આથી મેં એ જ વખતે નક્કી કરી લીધું કે માત્ર મારી માને જ નહીં, આસપાસના ગામવાળાઓને પણ પાણી માટે પરેશાન ન થવું પડે એવું કરીશ.
એ વખતે પહાડ પરથી વરસાદનું પાણી વહીને ઢોળાવ પર નીકળી જતું હતું એટલે પ્રેમસુખે એ પાણીને એક જગ્યાએ સંઘરી રાખવાની વ્યવસ્થા કરવા માટે ખોદકામ શરૂ કર્યું. પહાડ પરથી પાણી નીતરતું એ જગ્યાએ તળાવ ખોદ્યું. એ માટે ત્રણ વર્ષ લાગ્યાં. આ દરમિયાન તેણે પહાડને કાપીને એમાં રહેવા માટે ૬૦ ફૂટ ઊંડી ગુફા બનાવી દીધી. એમાં એક મંદિર બનાવ્યું. ૨૦૦૭થી ૨૦૦૯ સુધી ખોદકામ કરીને એક બંધ બનાવ્યો, પણ પહેલા જ વરસાદમાં પાણીમાં એ બંધ તૂટી ગયો. પ્રેમસુખે ફરીથી વધુ મજબૂત બંધની દીવાલ બનાવી અને ત્યાંનું પાણી વહી જતું રોકવામાં કામયાબી મળી ગઈ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter