ફક્ત ૩ મિનિટમાં આ સ્પોર્ટ્સ કાર બની જશે એરક્રાફ્ટ

Friday 29th January 2021 05:05 EST
 
 

આપ સહુએ સ્પોર્ટ્સ કાર તો અનેક જોઇ હશે, પરંતુ આ મોડેલની વાત અલગ છે. આ ફ્લાઇંગ સ્પોર્ટ્સ કાર ફક્ત ત્રણ જ મિનિટની અંદર રોડ પર દોડતી કારમાંથી એરક્રાફ્ટમાં તબદીલ થઈ જાય છે. આ અનોખી ટુ-ઇન-વન કારે તાજેતરમાં ટેસ્ટ ફ્લાઇટના ભાગરૂપે સ્લોવેકિયાના આકાશમાં ૧૫૦૦ ફૂટનું સફળ ઉડ્ડયન પણ કર્યું હતું. ભવિષ્યની આ કાર-કમ-વિમાને સ્લોવેકિયામાં સફળ ટેક-ઓફ અને લેન્ડિંગ સાથે બે ટેસ્ટ ફ્લાઇટ કમ્પ્લીટ કરી છે અને હવે તે કોર્મિશયલ ફ્લાઇટની મંજૂરી મેળવવા તરફ થોડીક આગળ વધી છે એમ તેના ડેવલપરનું કહેવું છે.
ઉત્પાદક કંપનીએ હજુ સુધી આ કારની વેચાણ કિંમત જાહેર તો કરી નથી, પરંતુ આગામી મહિનાઓમાં તે વેચાણ માટે તૈયાર હશે તેવો દાવો કરાઇ રહ્યો છે. કારને વિકસાવનારનો દાવો છે કે, આ અનોખી એર-કાર ૬૦૦ કિલોમીટરના અંતર સુધી આશરે ૧૨૪ માઇલની ઝડપે ઊડી શકે છે.
ફ્લાઇંગ કારનું આ પાંચમું પ્રોટોટાઇપ છે અને ડેવલપર્સ કહે છે કે તે મોજશોખ ઉપરાંત સેલ્ફ ડ્રાઇવિંગ કે કોર્મિશયલ ટેક્સી સર્વિસ માટે ઉત્તમ વિકલ્પ બનશે. આ કાર જ્યારે જમીન ઉપર હોય છે ત્યારે તેની પાંખો ફોલ્ડ થઈને કારની અંદર જતી રહે છે જેથી તે રસ્તા પર દોડતી હોય છે ત્યારે અન્ય કોઈ મુશ્કેલી ઊભી થતી નથી.

કારમાં ૧.૬ લિટરનું એન્જિન

પ્રોફેસર સ્ટીફન ક્લેઇન દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી આ એર-કારે તેના ટેસ્ટ રનના ભાગરૂપે સલામત રીતે બે ટેક-ઓફ અને લેન્ડિંગ પૂર્ણ કર્યું છે. કોઇ પણ સામાન્યત ભારેખમ હોય છે, પરંતુ પ્લેન શક્ય તેટલું હળવું હોવું જોઇએ. આથી એર-કાર માટે બન્ને વચ્ચે સંતુલન સાધવાનો ક્લેઇન અને તેની ટીમ સામે સૌથી મોટો પડકાર હતો. બે બેઠક ધરાવતાં આ મોડેલનું વજન ૨,૪૨૫ lb છે અને દરેક ફ્લાઇટમાં ૪૪૦ lbનો વધારાનો લોડ વહન કરી શકે છે તેમ કંપનીનું કહેવું છે. આ કારમાં બીએમડબ્લ્યુનું ૧.૬ લિટરનું એન્જિન ફિટ કરવામાં આવ્યું છે, તે ૧૪૦ હોર્સપાવરનું સક્ષમ પાવર આઉટપુટ ધરાવે છે અને એર કારની અંદાજિત ટ્રાવેલ રેન્જ ૬૨૧ માઇલની છે.

સામાન્ય કારની જેમ પાર્કિંગ

આ કારને જમીન પરથી હવામાં લોન્ચ થવા માટે ૯૮૪ ફૂટના રનવેની જરૂર પડે છે અને તે કલાકના ૧૨૪ માઇલની ઝડપે ઉડી શકે છે. આ કાર રોડ પર ચાલતી હોય છે ત્યારે તેની પાંખો સંકેલાઇ જાય છે તેથી એર-કારને સામાન્ય કારની માફક પાર્ક કરી શકાય છે.
ફ્લાઇટ ટેસ્ટ માટેની કાયદેસરની તમામ જરૂરિયાતો પૂરી થઇ ગયા બાદ કંપની આ એરક્રાફ્ટમાં વધારે શક્તિશાળી એન્જિન ફિટ કરવા આયોજન કરે છે. જરૂરી સત્તાવાળાઓની મંજૂરી મળ્યાના છ જ મહિનામાં આ એર-કાર વેચાણ માટે તૈયાર હશે તેવો કંપનીનો દાવો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter