પેરિસઃ ફેશનજગતમાં આગવી નામના ધરાવતા ફ્રાન્સના લોકોનો ચીઝ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. ફ્રાન્સમાં ચીઝ માત્ર ખાવાની વસ્તુ નથી, પણ તેને રાષ્ટ્રીય સંસ્કૃતિનો એક હિસ્સો માનવામાં આવે છે. દેશવાસીઓના આ ચીઝપ્રેમને નજરમાં રાખીને જ દેશની એક રેસ્ટોરાંએ તેના મેન્યુમાં એક અનોખી ચીઝ પ્લેટને સ્થાન આપ્યું છે.
દક્ષિણ ફ્રાન્સના નારબોન શહેરમાં આવેલી લે ગ્રાં બુફે નામની રેસ્ટોરાં વિશ્વની સૌથી મોટી ચીઝ પ્લેટ સર્વ કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. અહીં 30 મીટર લાંબી પ્લેટમાં 111 પ્રકારના ચીઝ સજાવાય છે. કેમેમ્બર્ટ, રેબ્લોશોં, મોર્બિએ, મારોય, રેકલેટ જેવા ફ્રાન્સના પ્રખ્યાત ચીઝથી લઈને બ્લુ વેન્સ, સોફ્ટ, હાર્ડ અને પ્રેસ્ડ ચીઝ સુધી... દરેક સ્વાદપ્રેમીઓ માટે અહીં વિકલ્પો ઉપલબ્ધ છે.
ફ્રાન્સમાં ચીઝને ભોજનનો મહત્વનો ભાગ માનવામાં આવે છે અને આ રેસ્ટોરાં તે પરંપરાને ભવ્ય સ્વરૂપ આપે છે એમ કહો તો પણ ખોટું નથી. વર્ષેદહાડે 300 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતું આ રેસ્ટોરાં ફ્રાન્સનું સૌથી વધુ કમાણી કરતું રેસ્ટોરાં છે તેમાં કંઇ નવાઇજનક નથી.
નારબોનના આ બુફે રેસ્ટોરાંની સ્થાપના 1989માં લુઈ અને જેન પ્રિવા દ્વારા કરાઈ હતી. આ રેસ્ટોરાંમાં લગભગ 150 ક્લાસિક ફ્રેન્ચ વાનગી પીરસવામાં આવે છે, જેમાં 19મી સદીના પ્રખ્યાત શેફ ઓગસ્ટ એસ્કોફિયરની રેસીપી પણ સામેલ છે. પ્રજાજનોથી માંડીને પર્યટકો આ વ્યંજનોની લિજ્જત મનભરીને માણી શકે તે માટે અનલિમિટેડ ભોજનનો વિકલ્પ પણ ઉપલબદ્ધ છે.
30 મીટર લાંબી પ્લેટ માટે છે વિશેષ રૂમ
30 મીટર લાંબી ચીઝ પ્લેટને વિશેષ ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ રૂમમાં સજાવવામાં આવે છે, જેથી દરેક ચીઝનો સ્વાદ અને બનાવટ જળવાઈ રહે. અહીં અનુભવી ‘ફ્રોમાજર’ (એક પ્રકારે સહાયક) મહેમાનોને જે તે ચીઝ સાથે યોગ્ય વાઇન પેરિંગની પણ સલાહ આપે છે, જેનાથી સ્વાદનો અનુભવ વધુ ખાસ બની જાય છે.


