ચીનના શિનજિયાંગમાં બાઇચેંગ કાઉન્ટીનો ‘ફ્લેમિંગ સ્પ્રિંગ’ કુદરતના ચમત્કારોમાંથી એક છે. આ અનોખા ઝરણાની ઓળખ છે - આગ અને પાણીનું સાથે સાથે હોવાનું. સ્પષ્ટ - પારદર્શક જળધારાની વચ્ચેથી ઉઠતી અગનજવાળા એવો નજારો રચે છે જાણે કુદરત ખુદ તેના પોતાના જ નિયમોને પડકારી રહી હોય. અહીં આગ ઉપર પાણી નાંખવા છતાં જવાળા બૂઝાતી નથી અને અવિરત લપકારા મારતી અગનજવાળા છતાં ઝરણું ક્યારેય સુકાતું નથી. સ્થાનિક માન્યતા અને વૈજ્ઞાનિક કૂતુહલ - એમ બન્નેનું કેન્દ્ર બનેલું આ સ્થળ પ્રાકૃતિક ગેસના રિસાવ અને જળસ્રોતના અનોખા મિલનનું પરિણામ માનવામાં આવે છે. દિવસના અજવાળામાં તો જાણે અગનજવાળા પાણી પર નૃત્ય કરતી હોય તેવું મનોરમ્ય દૃશ્ય સર્જાય છે.


