બરમુડા ટ્રાયેંગલના રહસ્ય પરથી પરદો ઊંચકાયો

Monday 09th May 2022 17:26 EDT
 
 

વોશિંગ્ટન: દુનિયાના સૌથી રહસ્યમયી સ્થળોમાં એક નામ બરમુડા ટ્રાયેંગલનું છે. આ જગ્યા માટે એવું કહેવાય છે કે આ વિસ્તારમાંથી પસાર થતી દરેક વસ્તુને અદ્રશ્ય શક્તિ ખેંચે છે, અને પછી તેને પોતાનામાં સમાવી લે છે. પછી તે તરતું જહાજ હોય કે ઉડતું વિમાન. જોકે હવે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે બરમુડા ટ્રાયેંગલનું રહસ્ય ઉકેલાઇ ગયું છે.
ઓસ્ટ્રેલિયન વિજ્ઞાની કાર્લ ક્રુઝેલ નિકિના કહેવા પ્રમાણે ઘણા વિમાન અને જહાજ કોઈ પણ પુરાવા વિના પાણીમાં ગાયબ થઇ જવાનો સંબંધ કોઈ એલિયન બેઝ કે દરિયામાં ડૂબી ગયેલા એટલાન્ટીસ શહેર સાથે નથી. આવી ‘આશ્ચર્યજનક’ ઘટનાઓ પાછળ ખરેખર તો માનવીય ભૂલો અને ખરાબ હવામાન મુખ્ય કારણ છે. વૈજ્ઞાનિક કાર્લના માનવા પ્રમાણે બરમુડા ટ્રાયેંગલમાં વિમાન અને જહાજ ગાયબ થવાનું મુખ્ય કારણ માણસોની ભૂલ અને ખરાબ હવામાનથી વિશેષ અન્ય કંઇ નથી.
બરમુડા ટ્રાયેંગલને ‘ડેવિલ્સ ટ્રાયેંગલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમુદ્રનો 7 લાખ ચોરસ કિ.મી.નો - જ્હાજોની અવરજવરથી સતત ધમધમતો વિસ્તાર છે. આથી દુર્ઘટનાઓ પણ વધારે બને છે. કાર્લના કહેવા પ્રમાણે બરમુડા ટ્રાયેંગલ ભૂમધ્ય રેખા પાસે છે અને અમેરિકાથી તેની દૂરી ખૂબ ઓછી છે એટલે ટ્રાફિક પણ વધારે રહે તે સ્વાભાવિક છે.
કાર્લ ક્રુઝેલ નિકિના કહેવા પ્રમાણે યુએસ કોસ્ટગાર્ડ અને લોઈડ્સ ઓફ લંડનના રિપોર્ટ મુજબ બરમુડા ટ્રાયેંગલમાં લાપતા થવાનો આંકડો ટકાવારીના આધારે મૂલવવામાં આવે તો દુનિયાના અન્ય હિસ્સાની બરાબર જ છે.

તેઓએ ફ્લાઇટ 19ના પાંચ વિમાનોના લાપતા થવાનું કારણ પણ બતાવ્યું હતું. જેની સાથે બરમુડાના રહસ્યની શરૂઆત થઈ હતી. વૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે 15 મીટર ઊંચી લહેરો ઊઠી રહી હતી જેની અસર વિમાનોને થઈ હતી. તે સમયે લીડર લેફ્ટનન્ટ ચાર્લ્સ ટેલર હતા. જેમની માનવીય ભૂલ દુર્ઘટનાનું કારણ બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter