બર્નહામમાં અગ્નિની શોધના 4 લાખ વર્ષ પુરાણા અવશેષ મળ્યા

માનવ ઇતિહાસનું સિમાચિહ્નરૂપ સંશોધન

Wednesday 17th December 2025 05:16 EST
 
 

લંડન: બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’ જર્નલમાં પ્રકાશિત કરાયું છે.
પુરાતત્વવિદોને બર્નહામમાં તપાસ દરમિયાન માટીના ચુલ્હા, ગરમીથી તૂટેલા કુહાડા અને આગ લગાડવા માટે જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો, તે ચકમક (અકીક)ના પથ્થરના બે ટુકડા મળી આવ્યા છે. ચકમક પથ્થર એટલે કે, પાયરાઈટ સ્થાનિક વિસ્તારમાં મળતો નથી તેના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે, પ્રાચીન માનવો તેને ખાસ આગ પ્રગટાવવા માટે એકત્ર કરીને લાવતા હતા.
 રાસાયણિક વિશ્લેષણમાં માટીના ઉચ્ચ તાપમાન અને વારંવાર બળતરાના નિશાન મળ્યા છે. જે દર્શાવે છે કે, આગ પ્રાકૃતિક રીતે નહોતી લાગી. તેને અનેક વખત પ્રગટાવવામાં આવી હતી. આ રિસર્ચ પેપરના લેખક અને બ્રિટિશ મ્યુઝિયમના ક્યુરેટર નિક એશ્ટને આ શોધને પોતાની 40 વર્ષની કારકિર્દીની સૌથી મહત્ત્વપૂર્ણ શોધ ગણાવી હતી.
વૈજ્ઞાનિકોએ હવે બ્રિટન અને યુરોપના અન્ય પ્રાચીન સ્થળોની ટેકનીકલ તપાસ કરવાનો નિર્ણય કર્યો છે, જેથી જાણી શકાય કે, આગ પ્રગટાવવાની પ્રદ્ધતિ કેટલી વ્યાપક હતી. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ, કેન્યા અને સાઉથ આફ્રિકાના ઘણા સ્થળોએ આગના 8,00,000 થી 10,00,000 વર્ષ જૂના પૂરાવા મળ્યા છે. પરંતુ, આગ પ્રાકૃતિક હતી કે, માણસો દ્વારા પ્રગટાવવામાં આવી હતી તે કહેવું મુશ્કેલ હતું. સફોલ્કના બર્નહામમાં મળેલા અવશેષોમાં માણસો દ્વારા અગ્નિ પેટાવાયો હોવાના અવશેષો મળ્યા હોવાથી તેનું મહત્ત્વ વિશેષ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter