હમીરપુર: જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું મહત્ત્વ નથી. સંજીવ કુમારની આ રાજાશાહીની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.
અહેવાલો અનુસાર સંજીવ કુમારે 14 લાખ રૂપિયા ખર્ચી વીઆઇપી નંબર HP21C-0001 ખરીદ્યો છે. પરિવહન વિભાગે વીઆઈપી નંબરોની હરાજી યોજી હતી અને તે માટે ઓનલાઈન બોલી મંગાવાઇ હતી. સંજીવ કુમારે ઓનલાઈન બોલીમાં ભાગ લઈને આ નંબર મેળવ્યો છે. બોલીમાં માત્ર બે લોકોએ ભાગ લીધો હતો. સોલનના રહેવાસીએ આ નંબર માટે રૂ. 13.5 લાખની બોલી લગાવી હતી, પરંતુ સંજીવ કુમારે 14 લાખની બોલી લગાવીને બાજી જીતી ગયા. આ રકમ રાજ્ય સરકારની તિજોરીમાં ગઈ છે. આ નંબર અત્યાર સુધીનો કદાચ સૌથી મોંઘો ટુ-વ્હીલર નંબર હોઈ શકે છે.
સંજીવ કુમારે જણાવ્યું હતું કે મને ખાસ અને યુનિક નંબરનો શોખ છે. મેં આ નંબર મારા નવા સ્કૂટી માટે લીધો છે. સંજીવ કુમારના આ નિર્ણયની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. એક તરફ જ્યાં લોકો તેમની વિચારધારા સામે હેરાનપરેશાન છે તો ઘણા લોકો તેને ડિજિટલ પ્રક્રિયાની સફળતા પણ માની રહ્યા છે.
કેરળમાં કારનો નંબર 46 લાખમાં વેચાયો હતો
ગત એપ્રિલમાં કેરળમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. અહીં કોચ્ચીમાં આરટીઓએ હરાજીમાં 0007 નંબર લગભગ 46 લાખમાં રૂપિયામાં વેચ્યો હતો. એક સોફ્ટવેર કંપનીએ પોતાની લક્ઝરી કાર લેમ્બોર્ગિની ઉરુસ માટે આ નંબર ખરીદ્યો હતો. તે કારની કિંમત ચાર કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. હરાજી બાદ કારને KL07 DG 0007નંબર મળ્યો હતો.