મોન (નાગાલેન્ડ)ઃ જરા કલ્પના કરો તો... તમે કોઇના ઘરે મહેમાન બનીને ગયા છો. યજમાન કહે છે કે ચાલો, બધા જમી લઇએ... પછી આપણે રાતવાસો કરવા બાજુના દેશમાં જવાનું છે. સવારે નાસ્તો કરવા પાછા અહીં આવી જશું... આ સાંભળીને તમારું મગજ ચક્કરભમ્મર થઇ જાય કે નહીં?! કદાચ એવી શંકા પણ ઉપજે કે યજમાનની ‘મનોસ્થિતિ’ હાલકડોલક તો નથી થઇ ગઇને. પણ જરા ઉભા રહો. આવી કોઇ શંકા કરવાની જરૂર નથી. યજમાનની વાત રતિ ભારેય ખોટી નથી. ભારતની સરહદે આવેલા એક હકીકતે આવું ઘર અસ્તિત્વ ધરાવે છે.
નાગાલેન્ડના મોન જિલ્લામાં આવેલું લોંગવા ગામ આ અનોખું ઘર ધરાવે છે. આ ગામમાં રહેતા રાજાનું ઘર સૌથી અનોખું છે. આ ઘરનું રસોડું મ્યાનમારમાં છે અને બેડરૂમ ભારતમાં. એટલે કે, આ લોકો એક દેશમાં જમે છે અને સૂવા માટે બીજા દેશમાં જાય છે!
શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ ઘરમાં જમવા માટે એક દેશમાં જવું પડે અને સૂવા માટે બીજા દેશમાં આવવું પડે? જી હા, આ કોઈ ફિલ્મી વાર્તા નથી પરંતુ ભારતના નાગાલેન્ડમાં એક હકીકત છે. અહીંનું લોંગવા ગામ ભારત-મ્યાનમાર સરહદ પર આવેલું છે, જ્યાં રાજા નામની વ્યક્તિનું ઘર બે દેશોમાં વહેંચાયેલું છે.
આ ઘરનું રસોડું મ્યાનમારમાં છે અને બેડરૂમ ભારતમાં છે. એટલે કે પરિવારના સભ્યો રસોઈ બનાવવા મ્યાનમાર જાય છે અને સૂવા માટે ભારત પાછા ફરે છે. કોઈપણ પાસપોર્ટ કે વિઝા વગર તેઓ દરરોજ બંને દેશો વચ્ચે અવરજવર કરતા રહે છે. આપણને ભલે આ જોઇને નવાઇ લાગે, પણ રાજાના પરિવાર માટે આમાં કંઇ નવાઇજનક નથી.


