ભારતનો એલન મસ્ક! 13 વર્ષ પ્રયોગ કરી ઉડતી કાર બનાવી

Saturday 21st November 2026 09:27 EST
 
 

અલ્મોડાઃ ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના રવિ તમટાએ વિજ્ઞાન કે એન્જિનિયરિંગનું પરંપરાગત શિક્ષણ લીધા વિના ટેક્નોલોજી ક્ષેત્રે ઊંચેરી ઉડાન ભરી છે. તેણે સતત 13 - 13 વર્ષ સુધી ઇન્ટરનેટના માધ્યમથી જ્ઞાન મેળવી અને પ્રયોગો કરીને ઉડતી ઈલેક્ટ્રિક કારનું પ્રોટોટાઈપ તૈયાર કર્યું છે. બેચલર ઓફ આર્ટ્સ (બી.એ.)ની ડિગ્રી ધરાવતા રવિએ બનાવેલા એક સીટર વાહન HAPI-DA SKYNeXનું ગયા ઓગસ્ટમાં પરીક્ષણ કરાયું હતું, જે હવે લોકોની નજરમાં આવ્યું છે.

રવિની આ સિદ્ધિ દર્શાવે છે કે જિજ્ઞાસા, સ્વઅભ્યાસ અને સતત પ્રયત્નોથી પણ નવીન સંશોધન કરી શકાય છે. રવિએ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી, વર્ષોસુધીના પ્રયોગો અને પરિવારના સહયોગથી ઉડતી કાર બનાવવાનું જ્ઞાન મેળવ્યું હતું. જોકે, ટેક્નોલોજી વિકસાવવા માટે માત્ર જિજ્ઞાસા પૂરતી નથી, તેની સુરક્ષા અને વિશ્વસનીયતા સાબિત કરવા માટે સઘન પરીક્ષણો અને ટેક્નિકલ ચકાસણી પણ જરૂરી હોય છે.

રવિ તમટાનું બાળપણ જાગેશ્વર ધામ નજીક આવેલા કાફલી ખાન ગામમાં વીત્યું હતું. પહાડી વિસ્તારોમાં મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓ, ખાસ કરીને હોસ્પિટલ પહોંચવા માટે વળાંકવાળા રસ્તાઓ પર લાંબી મુસાફરી કરવાની મજબૂરીએ તેમને વ્યક્તિગત હવાઈ વાહન બનાવવાની પ્રેરણા આપી હતી.

વર્ષ 2015માં તેમણે ઉડતી કાર બનાવવાનું સ્વપ્ન જોયું હતું. વ્યવસાયે મિકેનિક પિતા હરિશ રામ તેને આગળ વધવા રસ્તો ચીંધ્યો. ત્યારબાદ તેમણે પોતાના સ્ટાર્ટઅપ મારફતે આ વિચારને સાકાર કરવાની દિશામાં કામ શરૂ કર્યું હતું. તેમણે બનાવેલું વાહન રનવે વિના સીધું ઊભી દિશામાં ઉડાન ભરી શકે અને એ જ રીતે ઊભી દિશામાં ઉતરી શકે તે રીતે તૈયાર કરાયું છે. તેમાં અનેક ઇલેક્ટ્રિક મોટર અને પ્રોપેલરનો ઉપયોગ કરાયો છે. આ ટેક્નોલોજી મલ્ટી રોટર ડ્રોનમાં વપરાતી ટેક્નોલોજી જેવી છે. આ પ્રોટોટાઈપમાં હળવું માળખું, પાઇલટ માટે કેબિન અને પારદર્શક કેનોપી છે. તે બેટરીથી ચાલે છે અને તેને ચલાવવા માટે વિમાનમાં વપરાતા ઈંધણ કે ઈથેનોલની જરૂર પડતી નથી. અલબત્ત, પરીક્ષણ દરમિયાન ઉડાન ભરવી એ પ્રારંભિક સફળતા છે. તેના આધારે વાહન મુસાફરોને લઈ જવા કે વ્યાવસાયિક ઉપયોગ માટે તૈયાર છે એવું કહી શકાય નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter