મંગોલિયામાંથી મળ્યું ડાયનાસોરનું 12 કરોડ વર્ષ પુરાણું અશ્મિ

Friday 25th September 2026 09:24 EDT
 
 

બેઈજિંગઃ ચીનના ઇનર મંગોલિયા પ્રદેશમાં કોપર માઇનિંગ માટેના સર્વેક્ષણ દરમિયાન જમીનથી 473.2 મીટરની ઊંડાઈએ ડ્રિલિંગ કોર (પાઇપ)માંથી ડાયનાસોરનું આશરે 12 કરોડ વર્ષ પુરાણું અત્યંત દુર્લભ અશ્મિ (ફોસિલ) મળી આવતાં પુરાતત્વવિદો આશ્ચર્યચકિત થઇ ગયા છે. વૈજ્ઞાનિકોની એક સંયુક્ત ટીમે આ ચોંકાવનારી શોધ જર્નલ ‘અર્થ, હિસ્ટ્રી એન્ડ બાયોડાયવર્સિટી’માં પ્રકાશિત કરી છે.
નિષ્ણાતો કહે છે કે માઇનિંગ માટે કરાતા ડ્રિલિંગ દરમિયાન ડાયનાસોરના અવશેષો મળવાની આ ઘટના વૈશ્વિક સ્તરે અત્યંત અસાધારણ છે. આ અશ્મિમાં પાંસળીનો ભાગ અને પૂંછડીના હાડકાં સામેલ છે. અલબત્ત, આ ભાગ સંપૂર્ણ રીતે વિકસિત ન હોવાથી તે ડાયનાસોરનું બચ્ચું હોવાનું મનાય છે. તેના હાડકાં પોપટ જેવી ચાંચ ધરાવતા નાના શાકાહારી ‘સિટ્ટાકોસોરસ’ ડાયનાસોરને મળતા આવે છે. આ હાડકાં પર ઝીણા છિદ્રોની એક અનોખી લાઈન પણ જોવા મળી છે, જે રક્તવાહિનીઓ માટે હોઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter