અંકારા: તુર્કીમાં ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર સર્વેક્ષણમાં માટીમાંથી ખાસ પ્રકારના સેમ્પલ મળી આવ્યાં છે. જે નિહાળીને સંશોધકો આશ્વર્યચકિત થઇ ગયા છે. અત્યાર સુધી નિષ્ણાતો જેને એક પથ્થરની પહાડી સમજતા હતા એમાં લાકડાનો ભાગ મળ્યો હતો અને તેનો દેખાવ પણ હોડીના આકારનો છે.
બાઈબલમાં એક કથા એવી છે કે મહાપ્રલય થયો તે વેળા નોઆની હોડીમાં બેસીને સજીવસૃષ્ટિને બચાવવામાં આવી હતી. લગભગ એવી જ કથા કુર્રાનમાં પણ આવે છે. ભારતીય કથાઓમાં પણ મનુની નાવને મત્સ્યના શિંગડા સાથે બાંધવાના વર્ણન છે. ભગવાન વિષ્ણુએ મત્સ્યનું રૂપ લીધું હતું એવી કથા છે. આ બધી કથાઓમાં હોડીએ પ્રલયમાં સજીવસૃષ્ટિને બચાવી હોવાની વાત છે.
તુર્કીમાં મળેલી એક નાવડીએ આ જ કારણસર સંશોધકોને આશ્વર્યમાં મૂકી દીધા છે. કારણ કે બાઈબલમાં આવતી હોડીના વર્ણન સાથે બંધ બેસે એવી એક નાવ સંશોધકોએ શોધી કાઢી છે. તુર્કીના અરારત પહાડી પાસે એક ઢાંચો મળી આવ્યો છે. અત્યાર સુધી તેને પથ્થરની પહાડી કહેવામાં આવતી હતી, પરંતુ ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર સર્વેક્ષણમાં જે સેમ્પલ મળ્યાં છે એમાં પોટેશિયમ અને ઓર્ગેનિક મટિરિયલનો ભાગ મળ્યો છે. લાકડાના નિશાન મળ્યાં છે અને વળી તેનો આકાર પણ હોડી જેવો છે.
ખાસ બાબત તો એ છે કે બાઈબલમાં હોડીની જે સાઈઝનું વર્ણન કરવામાં આવ્યું છે એની સાથે મેળ ખાય તેવો એનો આકાર છે. આ હોડીની લંબાઈ 515 ફૂટ છે. પહોળાઈ 86 ફૂટ છે અને ઊંચાઈ 52 ફૂટ છે. બાઈબલમાં હોડીની લંબાઈ 450 ફૂટ, પહોળાઈ 75 ફૂટ અને ઊંચાઈ 45 ફૂટ ગણાવાઈ છે. તુર્કી અને અમેરિકાના સંશોધકો આ સેમ્પલનો વધારે અભ્યાસ કરશે.
ઘણા લોકો કહી રહ્યા છે કે શું શું ખરેખર આ નોઆની હોડી છે કે પછી ધરતીના પેટાળમાં ઉપસેલો કુદરતી ઢાંચો છે. અગાઉ એવું કહેવાતું હતું કે જવાળામુખી કે ધરતીકંપના કારણે બનેલો ઢાંચો છે.


