માડ્રિડઃ દુનિયાભરમાં બ્રેડ એક સામાન્ય ખાદ્ય પદાર્થ ગણાતો હોય, પરંતુ સ્પેનની એક નાની બેકરીએ આ જ સાદી - સામાન્ય બ્રેડને એવી તે મોંઘીદાટ લક્ઝુરિયસ પ્રોડક્ટમાં બદલી નાંખી છે કે મધ્યમ વર્ગના માણસ માટે તો તેને ખરીદવાની કલ્પના પણ ન કરી શકે.
સ્પેનના મલાગા પ્રાંતના અલ્ગાટોસિન ગામમાં આવેલી પેન પિના બેકરીમાં બનતી એક ખાસ બ્રેડની કિંમત હાલમાં 1800 ડોલર (આશરે રૂ. 1.7 લાખ) સુધી પહોંચી ગઈ છે. આ મોંઘીદાટ બ્રેડને માસ્ટર બેકર જુઆન મેન્યુઅલ મોરેનો દ્વારા ખાસ રીતે તૈયાર કરવામાં આવતી હોવાથી તેની આટલી ઊંચી કિંમત છે.
આ બ્રેડનું વજન 400 ગ્રામ છે, જેને સજાવવા માટે ખાવાયોગ્ય અસલી સોના અને ચાંદીના વરખ તેમજ પાવડરનો ઉપયોગ કરાય છે. એટલું જ નહીં, બ્રેડને વધુ પૌષ્ટિક અને પ્રીમિયમ બનાવવા માટે તેમાં ક્વિનોઆ, ચિયા સીડ્સ અને સ્પેલ્ટ ઘઉં જેવી ઉત્તમ સામગ્રીઓ ઉમેરવામાં આવે છે. તેને એકદમ ચોકસાઇપૂર્ણ ટેમ્પરેચરથી બેક કરવામાં આવે છે.
સ્વાભાવિક છે કે આ કોઈ સામાન્ય બ્રેડ નથી કે જે રોજ માર્કેટમાં સરળતાથી મળી રહે. આ બ્રેડને ગ્રાહકનો ઓર્ડર મળ્યા બાદ જ બનાવવામાં આવે છે. બ્રેડનો માત્ર એક ટુકડો તૈયાર કરવામાં સિઝન અનુસાર 18થી 20 કલાક અને ક્યારેક બે દિવસ જેટલો સમય લાગે છે. આ કારણે તેનું ઉત્પાદન ખૂબ જ મર્યાદિત રાખવામાં આવે છે.
દસકાઓ જૂની પરંપરા જીવંત રાખવાનો પ્રયાસ...
માસ્ટર બેકર મોરેનોએ 2016માં આ મહામૂલી બ્રેડ બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો હતો. તેમની પ્રથમ બ્રેડ સોના અને સ્પેલ્ટ ઘઉંમાંથી બની હતી, જેની કિંમત તે વેળા 11 હજાર રૂપિયા હતી. મોરેનોના મતે, આ નોખી-અનોખી બ્રેડ બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર પૈસા કમાવાનો નથી, પરંતુ 1940ના દાયકાથી ચાલતી તેમની આ કૌટુંબિક પરંપરાગત બેકરી તરફ સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો છે.


