મદુરાઈઃ ગુજરાતીમાં કહેવત છે - રાજા, વાજા ને વાંદરા ક્યારે વિફરે તે કહેવાય નહીં. હવે તમે આમાં ચાહકો કે ફોલોઅર્સની ‘કેટેગરી’ પણ ઉમેરી શકો છો. આ લોકોય વિફરે ત્યારે અણધાર્યું કરી બેસે છે. આ જૂઓને તમિલનાડુના મદુરાઈના એક ઇન્ફ્લુઅન્સર વીરમણિને પોતાના ચાહકો - ફોલોઅર્સ પાસેથી દિવાળીની મીઠાઈની આશા રાખવાનું કેવું ભારે પડી ગયું છે. તેણે ફોલોઅર્સ પાસેથી મીઠાઈ મેળવવાની આશામાં ઈન્સ્ટાગ્રામ પર પોતાનું સરનામું અને ફોન નંબર શેર કર્યો હતો. પરંતુ કેટલાક ટીખળી ફોલોઅર્સે આ સરનામાનો દુરુપયોગ કરી કેશ ઓન ડિલિવરી પર લાખો રૂપિયાના નકલી ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું.
જોતજોતામાં વીરમણિના ઘરે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓમાંથી ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને સ્માર્ટફોન જેવા મોંઘા ઈલેક્ટ્રોનિક સામાનના પાર્સલ આવવા લાગ્યા. આ ઉપરાંત સ્વિગી-ઝોમેટો પરથી પણ ખોરાકના સતત ઓર્ડર આવવા લાગ્યા. આ તમામ પાર્સલ કેશ ઓન ડિલિવરી હતા, જેના માટે ડિલિવરી બોયઝ તેમની પાસે પેમેન્ટ અને ઓટીપી માગતા હતા. માત્ર અડધા કલાકમાં 15થી વધુ મોંઘા ઓર્ડર આવી પડતાં તે ઘરે તાળું મારી ફરાર થઈ ગયો છે.


