બેંગલુરુઃ કર્ણાટકમાં એક મિકેનિકે પોતાની જૂની મારુતિ 800 કારને પોતાના ત્રણ માળના ઘરની છત પર પાર્ક કરતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં, આ કારને ભગવાન માની તેની પૂજા પણ કરે છે. બીજી તરફ લોકોએ આ જગ્યાને સેલ્ફી પોઈન્ટ બનાવી દીધી છે. દરેક વ્યક્તિ સૂરજના ઘરની સામે કાર સાથે પોતાનો ફોટો પડાવવા માંગે છે.
કારને ઘરની છત પર ગોઠવવા અંગે મિકેનિક સૂરજનું કહેવું છે કે તેનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તેણે પૈસા કમાવવા માટે કાર મિકેનિક તરીકે નોકરી શરૂ કરી હતી. થોડા વર્ષો પહેલા તેણે 20,000 રૂપિયામાં મારુતિ 800 કાર ખરીદી અને તેની સાથે ડ્રાઇવરની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. નબળી આર્થિક સ્થિતિ દૂર થઇ અને પરિવાર બે પાંદડે થયો. ધીમે ધીમે જમીન ખરીદી, પોતાની માલિકીનું ઘર બનાવ્યું અને દુકાન પણ શરૂ કરી. આમ તેના માટે આ કાર બહુ જ લકી સાબિત થઈ હતી. આથી તેણે આ કાર વેચવાને બદલે પોતાના ઘરની છત પર પાર્ક કરીને તેની પૂજા પણ કરે છે.