વોશિંગ્ટનઃ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીના સંશોધકોએ મિશિગન યુનિવર્સિટીના સંશોધકોના સહયોગમાં દુનિયાનો સૌથી નાનો પ્રોગ્રામેબલ ઓટોમેટિક રોબોટ વિકસાવ્યો છે. આ રોબોટ એટલો નાનો છે કે, તેને જોવા માટે પણ માઈક્રોસ્કોપની જરૂર પડે છે. સરખામણી કરવી હોય તો કહી શકાય કે આ રોબોટનું કદ મીઠાના કણથી નાનું છે. નાનકડા માઈક્રોચીપ જેવા આ રોબોટનો ઉપયોગ ઘણા મહત્ત્વના કોમ્પ્યુટિંગ પ્રોજેક્ટમાં કરી શકાશે. બાહ્ય કન્ટ્રોલ વગર જ તેની પાસે કામગીરી કરાવી શકાય છે. આ રોબોટ્સ પોતાની આસપાસના વાતાવરણને સમજી શકે છે અને તે રીતે મહિનાઓ સુધી કામ કરી શકે છે. સંશોધકો જણાવે છે કે, ઓટોનોમસ રોબોટ્સ સામાન્ય ચીપ કરતાં 10,000મા ભાગનો છે.
દુનિયાનો આ સૌથી નાનો રોબોટ પ્રોગ્રામ પણ કરી શકાશે અને ઓટોમેટિક રીતે કામ પણ કરી શકશે. તેને વિજ્ઞાનીઓ કહે છે કે પારંપરિક રોબોટથી વિપરિત આ માઈક્રો રોબોટ્સ પોતાની રીતે ઈલેક્ટ્રિકલ ફિલ્ડ ઊભું કરે છે અને તેના આધારે આસપાસની સ્થિતિને કાબુ કરી શકે છે અને તેની સાથે જોડાઈને કામ કરી શકે છે. ઈલેક્ટ્રોકાઈનેટિક પ્રોપલ્શન થકી આ રોબોટ્સ કોઈપણ પ્રવાહીમાં તરી શકે છે અને તે રીતે મોશન સેન્સર સાથે કામ કરી શકે છે. જેમ પાણીમાં માછલી કામ કરે છે તે રીતે આ રોબોટ્સ તરીને પાણી સહિતના પ્રવાહીમાં કામ કરી શકે છે. ખાસ વાત એ છે કે, આ માઈક્રોબોટમાં એકદમ ઝીઝી સોલાર પેનલ્સ લગાવેલી છે. આમ આ રોબોટ્સ સોલાર પાવર દ્વારા ઊર્જા મેળવે છે અને કામ કરે છે. એટલું જ નહીં, આ રોબોટ એક માઈક્રોચીપ તરીકે બીજી ચીપ સાથે જોડાઈને પણ કામ કરી શકે છે. તેને પ્રોગ્રામિંગ કરીને પ્રિલોડેડ ચીપ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.


