મુંબઈ: પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના પ્રતિષ્ઠિત ઓઈલ પેન્ટિંગ ‘યશોદા અને કૃષ્ણ’એ ઇતિહાસ રચી દીધો છે. આ ઓઇલ પેઇન્ટે ભારતીય કલાકૃતિઓની હરાજીમાં નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પેઇન્ટીંગ 167.2 કરોડ રૂપિયા (આશરે 18 મિલિયન ડોલર)માં વેચાયું છે જે હજુ સુધીમાં કોઇ ભારતીય કલાકૃતિ માટે ઉપજેલી સૌથી વધુ કિંમત છે.
આ ઐતિહાસિક હરાજી મુંબઈમાં સેફ્રોન આર્ટના સ્પ્રિંગ લાઈવ ઓક્શન દરમિયાન થઈ હતી જ્યાં ઊંચી ઊંચી બોલીઓ વચ્ચે બિલિયોનેર ઉદ્યોગપતિ સાઈરસ પુનાવાલાએ રૂ. 167.2 કરોડનો આંકડો બોલીને આ પેઇન્ટીંગ ખરીદી લીધું હતું. સાઈરસ પુનાવાલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક પણ છે. આ વેચાણે ગયા વર્ષે નોંધાયેલી રેકોર્ડ કિંમતને પણ પાછળ રાખી દીધી છે, જ્યારે એમએફ હુસૈનનું એક પેન્ટિંગ રૂ. 118 કરોડ કરતા વધારે કિંમતે કિરણ નાદર દ્વારા ખરીદવામાં આવ્યુ હતું.
અહેવાલો અનુસાર ‘યશોદા અને કૃષ્ણ’ પેઇન્ટીંગની અંદાજીત કિંમત 80થી 120 કરોડ રૂપિયા વચ્ચે રખાઈ હતી. પરંતુ તે હરાજીમાં બમણી કિંમતે વેચાઈ હતી. સાઈરસ પુનાવાલાએ આ ખરીદીને સન્માન અને જવાબદારી ગણાવી હતી.
એમ.એસ. યુનિવર્સિટીના કલાકારો છવાયા
‘યશોદા અને કૃષ્ણ’ વિક્રમજનક કિંમતે ખરીદાયું છે તો તેની સમાંતરે એમએસ યુનિવર્સિટીની જ ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસના 3 પૂર્વ વિદ્યાર્થીઓના પેઇન્ટીંગ એક કરોડ રૂપિયા સુધીના ભાવે ખરીદાયા હતા.
આ પૂર્વ વિદ્યાર્થીઓમાં શાંતિ દવે, હકુ શાહ અને લતિકા કાટનો સમાવેશ થાય છે. શાંતિ દવેનું પેન્ટિંગ ‘ધ ગ્રૂપ’ રૂ. 1.04 કરોડમાં, લતિકા કાટનું ‘ઈન્સ્ટોલેશન આર્ટવર્ક ધ ફેન્સ’ રૂ. 45.60 લાખમાં જ્યારે અમદાવાદના વતની હકુ શાહનું પેઇન્ટીંગ
રૂ. 26.40 લાખમાં ખરીદાયું હતું.


