યુવક-યુવતીની અટક હતી બર્ગર અને કિંગઃ ફાસ્ટ ફૂડ ચેઇને બન્નેને રંગેચંગે પરણાવ્યા

Thursday 23rd July 2015 10:03 EDT
 
 

જેક્સન વિલે (યુએસ)ઃ યુવાન જોએલ બર્ગર અને યુવતી એશ્લે કિંગ - આ પ્રેમી યુગલમાંથી એક પણ વ્યક્તિ મોટી નામના ધરાવતી હસ્તી નથી, પરંતુ તેમની અટકે સામાન્યમાંથી ખાસ વ્યક્તિ બનાવી દીધા છે. તેમની અનોખી અટકના કારણે વિશ્વની સૌથી મોટી ફાસ્ટ ફૂડ ચેઇન બર્ગર કિંગે તેમનાં લગ્નને સ્પોન્સર કર્યા છે.
આ પ્રેમી યુગલ યુએસના ઇલિનોય પ્રાંતના જેક્સન વિલેમાં વસે છે. જોએલનું પૂરું નામ છે જોએલ બર્ગર અને એશ્લેનું પૂરું નામ છે એશ્લે કિંગ. બન્ને શાળાથી માંડીને કોલેજકાળ સુધી સાથે ભણ્યા. બન્નેને એકબીજાની કંપની બહુ જ ગમતી. તેઓ હંમેશા સાથે જ રહેતા હોવાથી મિત્રો તેમને ‘બર્ગર - કિંગ’ કહીને જ બોલવાત હતા. એશ્લેના જણાવ્યા મુજબ ઘણા લોકો તો તેમને ચીઢવતા પણ હતા કે તારો બર્ગર ક્યાં ગયો?
એકબીજાનો સંગાથ પ્રેમમાં પરિણમ્યો. બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મિત્રોને આ વાતની જાણ કરવા બંનેએ એમ જ બર્ગર કિંગ રેસ્ટોરાં બહાર ફોટો ખેંચીને તેને ફેસબુક પર પોસ્ટ કર્યો. લોકો કોમેન્ટ કરવા લાગ્યા કે 'ચાલો બર્ગર અને કિંગ એક થઇ ગયા.' આ ‘બર્ગર-કિંગ વેડિંગ'ની વાત વાયરલ થઇને કંપનીના કાને પહોંચી.
જોએલ બર્ગર કહે છે કે, લગ્ન માટે જે દિવસે નોંધણી કરાવીને ફોટો અપલોડ કર્યો હતો તે જ દિવસે ફ્લોરિડાથી એક ફોન આવ્યો. ફોન બર્ગર કિંગ કંપનીના પ્રતિનિધિનો હતો. તેણે અમારાં લગ્નના પૂરાં ખર્ચને ઉપાડવાની ઓફર કરી. પહેલાં તો મને કાંઇ સમજાયું જ નહીં. મેં તેમને પૂછ્યું કે તમે આવું શા માટે કરી રહ્યા છો? તો તેણે જવાબમાં કહ્યું કે તમારી સગાઇની તસવીરને ફરી ધ્યાનથી જુઓ.... મેં તસવીર બીજી વાર ધ્યાનથી જોઇ ત્યારે ધ્યાને આવ્યું કે અમારી અટકને જોડી દેવામાં આવે તો કંપનીનું નામ બની જાય છે.
કંપનીના પ્રતિનિધિ એરિક હિરશોના જણાવ્યા પ્રમાણે, ‘અમને જ્યારે 'બર્ગર - કિંગ કપલ' વિષે જાણકારી મળી તો અમને લાગ્યું કે યુગલનાં લગ્નની ઉજવણી કરવી જોઇએ. આ નામે યુગલ મળવું તો દુર્લભ સંયોગ કહી શકાય. અને એવું પણ કદાચ પહેલીવાર બન્યું કે કોઇ ફાસ્ટ ફૂડ ચેનલે કોઇ લગ્નને સ્પોન્સર કર્યા હોય.’ કંપનીએ લગ્નનો ખર્ચ તો ઉઠાવ્યો સાથે જ જોએલ- એશ્લેના લગ્નમાં આવેલા તમામ મહેમાનોના ડ્રેસ અને ગિફ્ટનો પણ ખર્ચ ઉઠાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter