ચંદ્રપુરઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના એક યુવાને પહેલાં તો લગ્નમાં ઝાકઝમાળ અને ભપકો કરવાનો ટાળીને નાણાં બચાવ્યા અને પછી તેમાં ચાંદલા પેટે મળેલી રકમ ઉમેરીને તેનો એવો સદુપયોગ કર્યો કે આખું ગામ તેની પ્રશંસા કરતું થાકતું નથી. તેણે આ નાણાંથી ગામવાસીઓને ખેતરે જવામાં સુવિધા રહે એ માટે રોડ બનાવી આપ્યો છે. ચંદ્રપુરના વારોરા તાલુકાના સુસા ગામના રહેવાસી શ્રીકાંત એકુડેએ 28 એપ્રિલે અંજલિ નામની કન્યા સાથે સમાજસુધારક જયોતિબા ફુલેએ સૂચવેલી ‘સત્યશોધક’ વિધીથી સાદાઈથી લગ્ન કર્યા હતા.
એગ્રીકલ્ચરમાં માસ્ટર ડિગ્રી મેળવનાર શ્રીકાંતે કહ્યું હતું કે અમે સગાસંબંધીઓ પાસેથી ભેટસોગાદ સ્વીકારવાને બદલે લગભગ 90 છોડ વાવીને લગ્નની ઉજવણી કરી હતી. મારા લગ્નની તૈયારીઓ ચાલતી હતી ત્યારે મેં મારા પરિવારને જણાવ્યું હતું કે હું પરંપરાગત વિધીઓ અને ભોજન સમારંભમાં પૈસા ખર્ચવાનું ટાળવા માગું છું.
શરૂમાં તો વિરોધ થયો કેમ કે પરિવારને લગ્નપ્રસંગને ધામધુમથી ઉજવવાનો હરખ હતો. જોકે શ્રીકાંતે કુટુંબીજનોને સમજાવ્યા એમની પાસેથી રૂ. 50 હજાર ભેગા કર્યા અને પછી એ નાણાંથી ગામમાં 600 મીટરનો રોડ બંધાવ્યો, જેથી ગામવાસીઓ દરેક સિઝનમાં સહેલાઈથી પોતાના ખેતરો સુધી આવજા કરી શકે.
‘ચોમાસામાં અમારા ગામમાં ખેતરો સુધીનો માર્ગ બહુ ખરાબ થઈ જાય છે. લોકો માટે ઘરેથી ખેતર સુધી પહોંચવું લગભગ અશક્ય બની જાય છે. આથી ગ્રામ પંચાયત અને ગામના લોકોની મદદથી અમે નવો રોડ બાંધ્યો,’ એમ શ્રીકાંત કહે છે.
શ્રીકાંત કહે છે કે લોકો લગ્નમાં વરઘોડિયાને ભેટ આપવા સાધનો, વાસણો કે ફર્નિચર ખરીદે છે પરંતુ મેં મારા સગાસંબંધીઓને કહી દીધું કે અમારા માટે આમાંનું કાંઈ ખરીદતા નહિ. અમે એના બદલે નાણા ભેગાં કરી છોડ ખરીદ્યા અને ગામમાં જુદી જુદી જગ્યાએ 36 જાતના ફળાઉ વૃક્ષો વાવ્યા છે’ એમ સહુ કોઇ માટે પ્રેરણાદાયી બની ગયેલા નવદંપતીએ કહ્યું હતું.