ભૂવનેશ્વરઃ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક નાનકડા વીડિયોએ ઓડિશાના ખોબા જેવડા ગામની કલાકારીગરીને દેશવિદેશમાં જાણીતી કરી દીધી છે. આજે રઘુરાજપુર ગામ ‘ઓપન આર્ટ ગેલેરી’ તરીકે ઓળખાય છે. પુરીના જગન્નાથ મંદિરથી 14 કિમીના અંતરે આવેલું આ આખું ગામ કલાકારોનું છે.
ગામના દરેક ઘરની દીવાલો પર પૌરાણિક કથાના ચિત્રો કંડારવામાં આવ્યા છે. કલાકારોના ઘર જ તેમની દુકાનો છે. જ્યાં પ્રવાસીઓ સીધા જઈને તેમને કામ કરતા જોઈ શકે છે અને પેઈન્ટિંગ્સ કે શિલ્પો કે તેમને મનપસંદ કળાકૃતિ ખરીદી શકે છે.
આશરે 120-150 ઘર ધરાવતા આ ગામમાં 300થી 500 કલાકાર રહે છે. જોકે આ નાનકડા ગામની કલા શક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં 7 કલાકારને રાષ્ટ્રીય પુરસ્કાર અને 10થી વધુને રાજ્ય કક્ષાના પુરસ્કાર મળ્યા છે. આ ગામના જ કલાકાર ભાસ્કર મહાપાત્રાએ બનાવેલું ‘પટ્ટચિત્ર’ પેઈન્ટિંગ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યું હતું.
દેશનું પ્રથમ ‘હેરિટેજ ક્રાફ્ટ વિલેજ’
2000માં આ ગામના ઈતિહાસમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. ગામની કળાકારીગરીના સાંસ્કૃતિક મહત્વને સમજીને તેને ભારતના પ્રથમ ‘હેરિટેજ ક્રાફ્ટ વિલેજ તરીકે વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ રઘુરાજપુર ગ્રામીણ પર્યટનનું એક સફળ મોડેલ બની ગયું છે. ઓડિશાના પુરીના રઘુનાથપુર ગામના દરેક ઘર ઘર પર પર કલાકૃતિઓ કંડારાઈ છે. ગામનો દરેક પરિવાર કોઈને કોઈ શિલ્પ કે કલા સાથે જોડાયેલો છે.


