રઘુરાજપુરઃ ગામઆખું જાણે આર્ટ ગેલેરી

Wednesday 07th October 2026 06:52 EDT
 
 

પુરીઃ જગવિખ્યાત જગન્નાથપુરી મંદિર જ્યાં આવેલું છે તે જ જિલ્લામાં આવેલા રઘુરાજપુર ગામે આર્ટ ગેલેરી તરીકેની આગવી ઓળખ મેળવી છે. ગામમાં પ્રવેશતાં જ સૌથી પહેલાં નજર કોઈ દુકાન,મંદિર કે બજારના બદલે સહુ કોઇની નજર જાય છે દીવાલો પર. આખા ગામના ઘરોની દીવાલો રંગોથી સજાવેલી છે. ક્યાંક દેવી-દેવતાના ચિત્રો છે, ક્યાંક લોકકથાઓ, ક્યાંક પશુ-પક્ષીઓ તો ક્યાંક એવી ઝીણવટભરી ચિત્રકારી કે થોડીવાર માટે નજર અટકી જાય છે. દૂરથી જોતાં લાગે છે જાણે આખું ગામ કોઈ વિશાળ આર્ટ ગેલેરી હોય.
ઓડિશાના પુરી જિલ્લામાં આવેલા રઘુરાજપુર ગામમાં કળા કોઈ એક કલાકારના ઘર સુધી સીમિત નથી. આ આખા ગામની ઓળખ જ કળા છે. ગ્રામજનોએ પોતાના ઘરોને માત્ર રહેવાની જગ્યા નથી રહેવા દીધી, પરંતુ તેમને પરંપરા અને હુન્નરનો હિસ્સો બનાવ્યો છે. અહીંના કલાકારો રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે.
આખું ગામ બન્યું છે કેનવાસ
દીવાલોની ચિત્રકારીથી પ્રાચીન ભીંતચિત્રોની યાદ આવે છે. અજંતામાં ચિત્રો ગુફાની દીવાલો પર છે અને રઘુરાજપુરમાં ગામની શેરીઓ જ કળા-ગેલેરી બની ગઈ છે. રંગોથી સજેલા મકાનો સાવ અલગ તરી આવે છે.
ચાર પેઢીથી વારસામાં મળી છે કળા
ગામના ચિત્રકાર વિજય કુમારે જણાવ્યું કે તેમના પરિવારની ચાર પેઢી આ જ કામમાં છે. એટલે કે જે કળાને આજે પ્રવાસીઓ કેમેરામાં કેદ કરી રહ્યા છે, તે આ પરિવાર માટે કોઈ નવું હુન્નર નથી. બાળકો પણ ઘરમાં રંગ, પીંછી અને ચિત્રો વચ્ચે જ મોટા થાય છે. જે કળાથી રોજી-રોટી કમાય છે, એ જ કળા આગામી પેઢીને વારસામાં મળે છે. રઘુરાજપુરની તર્જ પર દેશભરના ગામડાને તેમની સ્થાનિક સંસ્કૃતિ, લોકકળા અને પરંપરાગત ચિત્રશૈલીથી સજાવીને નવો લૂક આપી શકાય છે. જેમ કે રાજસ્થાનના ગામડામાં ભીંત ચિત્રકારી અને બૂંદી શૈલી. બિહારના મિથિલા ક્ષેત્રમાં મધુબની પેઇન્ટિંગ અને મહારાષ્ટ્રના પાલઘર ક્ષેત્રની વારલી કળાથી દીવાલો સજાવી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter