રણમાં ‘ઇકોઇંગ ટેકરા’

Wednesday 26th August 2026 09:04 EDT
 
 

બેઇજિંગઃ સામાન્ય રીતે રણનું નામ સાંભળતા જ આપણી નજર સામે અફાટ રેતી અને પાણીની તંગીના દ્રશ્યો તરવરી ઉઠે છે, પરંતુ ચીનમાં આવેલું બાદૈન જારન રણ કુદરતની એક અનોખી અજાયબી છે. આ રણ તેની વિશિષ્ટ ભૌગોલિક રચનાને કારણે યુનેસ્કો (UNESCO) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યું છે.

આ રણની સૌથી મોટી વિશેષતા તેના 500 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા રેતીના ઢુવા (ટેકરા) છે, જે વિશ્વમાં સૌથી ઊંચા માનવામાં આવે છે. આ ટેકરાઓ માત્ર ઊંચા જ નથી, પણ ‘વાચાળ’ પણ છે! જ્યારે પવન ફૂંકાય છે અને રેતીના કણો એકબીજા સાથે ઘર્ષણ કરે છે, ત્યારે તેમાંથી એક મધુર સંગીતમય ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ જ કારણે તેને ‘સિંગિંગ ડ્યુન્સ’ અથવા ‘ઈકોઇંગ ટેકરા’ તરીકે ઓળખવામાં આવે છે.
બીજી આશ્ચર્યજનક વાત એ છે કે આ સૂકા રણની વચ્ચે આશરે 144 જેટલા તળાવો આવેલા છે. રેતીના વિશાળ પહાડો અને તેની વચ્ચે સ્થિત આ નીલવર્ણી જળાશયોનું દ્રશ્ય પ્રવાસીઓ માટે મંત્રમુગ્ધ કરનારું હોય છે. વૈજ્ઞાનિકો માને છે કે આ તળાવો નીચે રહેલા ભૂગર્ભ જળના સ્રોતને કારણે અસ્તિત્વ ધરાવે છે. આમ, બાદૈન જારન રણ એ રેતી, સંગીત અને પાણીનો એક દુર્લભ સંગમ છે. આશરે 7.26 લાખ હેક્ટરમાં ફેલાયેલું બાદૈન જારન રણ એક વર્લ્ડ હેરિટેજ સાઈટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter