મોસ્કોઃ રશિયાના કોલોમ્ના શહેરમાં ખોદકામ દરમિયાન માટીના માટલામાં છુપાયેલો 600 વર્ષ જૂનો ખજાનો મળી આવ્યો છે, જેમાં ચાંદીના 2600 દુર્લભ સિક્કા હતા. આમાંથી 350થી વધુ સિક્કા તો એવા છે જે પહેલા ક્યારેય જોવામાં જ નથી આવ્યા.
રશિયામાં થયેલી આ શોધે ઇતિહાસકારોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. મોસ્કોથી આશરે 114 કિમી દૂર કોલોમ્ના નામના શહેરમાં ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે જમીનની અંદરથી એક માટીનું માટલું નીકળ્યું. આ માટલાની અંદર ચાંદીના 2600 સિક્કાનો ખજાનો હતો, જેને જોઈને એવું લાગે છે કે આ ખજાનાને કોઈએ ખૂબ જ સાવધાનીપૂર્વક જમીનમાં છુપાવ્યો હતો. રશિયાની એકેડેમી ઓફ સાયન્સિસના આર્કિયોલોજી ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે આ ખજાનો 14મી-15મી સદીનો છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે આમાં 350થી વધુ સિક્કા તો એવા છે જેમની ડિઝાઇન પહેલા ક્યારેય દુનિયાની સામે આવી જ નથી.


