રૂ. 3400 કરોડના આસામી ધારાસભ્ય પરાગ શાહનો વેશપલ્ટોઃ મુંબઇના રસ્તાઓ પર બેસીને ભીખ માંગી

Wednesday 16th September 2026 06:14 EDT
 
 

મુંબઇઃ ભાજપના અબજોપતિ ધારાસભ્ય પરાગ શાહે ભિખારીનું રૂપ ધારણ કરીને ઘાટકોપરના રસ્તાઓ પર ભીખ માંગી હતી. આ દરમિયાન તેઓ રસ્તાની બાજુમાં બેઠા, વિસ્તારમાં ફર્યા અને લોકો પાસે મદદ તરીકે પૈસા પણ માંગ્યા. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ખાસ વાત એ રહી કે આસપાસ હાજર લોકોમાંથી મોટાભાગના લોકો તેમને ઓળખી શક્યા નહોતા. પરાગ શાહે આ અનુભવ જૈન ચાતુર્માસ દરમિયાન જૈન આધ્યાત્મિક ગુરુ નમ્રમુનિ મહારાજના સૂચન પર કર્યો હતો. તેનો હેતુ એક દિવસ માટે એ સમજવાનો હતો કે જે લોકો ખાવા અને મદદ માટે બીજા પર નિર્ભર રહે છે, તેમનું જીવન કેવું હોય છે.
આશરે 3400 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક એવા ઘાટકોપરના ધારાસભ્ય પરાગ શાહે આ અનુભવ માટે પોતાની રાજકીય અને આર્થિક ક્ષમતા સાથે જોડાયેલી તમામ સુવિધાઓને પાછળ છોડી દીધી હતી. તેમણે સુરક્ષા કર્મચારીઓ, લક્ઝુરિયસ ગાડી કે મોંઘી ચીજવસ્તુઓ - તમામનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ મેકઅપની મદદથી તેમણે પોતાનું રૂપ સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું.
પરાગ શાહે ઘાટકોપરમાં સામાન્ય લોકોની વચ્ચે ફરીને તેમની સાથે વાતચીત કરી અને ભિખારી તરીકે મદદ પણ માંગી. આ દરમિયાન તેઓ પોતાની ઓળખ છતી કર્યા વગર ઘણી જગ્યાઓ પર ગયા હતા.
વાયરલ વીડિયોમાં પરાગ શાહને રસ્તાની બાજુમાં બેસીને લોકોની વચ્ચે સમય વિતાવતા જોઈ શકાય છે. આ પ્રયોગ માત્ર વેશ બદલવા પુરતો મર્યાદિત રહ્યો નહોતો. મેકઅપ હટાવ્યા પછી પરાગ શાહ એ જ જગ્યાઓમાંથી કેટલીક જગ્યાઓ પર ફરીથી પહોંચ્યા, જ્યાં તેઓ પહેલા ભિખારીના સ્વરૂપમાં ગયા હતા. તેમણે તે લોકો સાથે મુલાકાત પણ કરી, જેમની સાથે તેમની પહેલા વાતચીત થઈ હતી.
આ અનુભવના માધ્યમથી તેમણે એ લોકોની રોજિંદી મુશ્કેલીઓને નજીકથી જોવાનો પ્રયાસ કર્યો, જે ભોજન અને મદદ માટે બીજા પર નિર્ભર રહે છે.
વીડિયો જારી થયા પછી સોશિયલ મીડિયા પર પણ આ પ્રયોગને લઈને લોકો ખૂબ વાતો કરી રહ્યા છે. પરાગ શાહે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સોગંદનામામાં તેમણે રૂ. 3,383 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી હતી.
તેઓ રિઅલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. વિધાનસભા પહોંચતા પહેલા પરાગ શાહ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter