રોજના રૂ. 5 કરોડ કમાનાર ધોરણ 12 પાસ સાયબર ગઠિયો પકડાયો

Saturday 13th May 2023 12:32 EDT
 
 

મુંબઇઃ મુંબઇ પોલીસે દેશભરમાંથી લોકોના પૈસા પડાવતા સાયબર ક્રાઇમ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટનો માસ્ટરમાઇન્ડ તેના ખાતામાં રોજના ૫ કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન્સ કરતો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. 49 વર્ષનો માસ્ટરમાઇન્ડ શ્રીનિવાસ રાવ દાદી માત્ર 12 ધોરણ સુધી ભણ્યો છે અને તેની બાંગર નગર પોલીસ સ્ટેશને અટકાયત કરી હતી.
પોલીસે દાદી ઉપરાંત, ગેંગના વધુ ચાર સભ્યોની ધરપકડ કરી છે. જેમાં થાણે અને કોલકાતાથી બે-બે વ્યક્તિને અટકાયતમાં લેવાયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, દાદી રિઅલ એસ્ટેટ બિઝનેસ ચલાવતો હોવાનો દેખાવ કરતો હતો. તે માત્ર ટેલિગ્રામ એપથી જ વાતચીત કરતો હતો. પોલીસે અત્યાર સુધીમાં દાદીએ વાપરેલા 40 બેન્ક ખાતાં ફ્રીઝ કર્યા હતા. જેમાંથી રૂ. 1.5 કરોડની રોકડ રિકવર કરવામાં આવી છે.
પોલીસે સાયબર બદમાશોની મોડસ ઓપરેન્ડીની વિગત આપતા કહ્યું હતું કે દાદી અને તેના સાગરિતો લોકો અને ખાસ કરીને મહિલાઓને ફોન કરતા હતા અને પોતે પોલીસ અધિકારીઓ હોવાનું કહેતા હતા. તે ફોન કરીને કહેતા હતા કે તેમણે મોકલેલા કુરિયરમાંથી પોલીસને ડ્રગ્સ અથવા શસ્ત્રો મળ્યા છે. આ સાંભળીને ગભરાઇ ગયેલી વ્યક્તિ પાસેથી તેઓ કુરિયરના વેરિફિકેશન માટે બેન્ક કે આવકવેરાની માહિતી માંગતા હતા.
ડેપ્યુટી પોલીસ કમિશ્નર અજય કુમાર બંસલે જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકો આવા ફોન કોલથી ગભરાઇને બેન્ક કે આવકવેરાની તમામ માહિતી આપી દેતા હતા.
સાયબર ક્રાઇમનો ભોગ બનનાર બધા લોકોએ બદમાશોને બેન્કનો વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) પણ આપ્યો હતો અને કેટલાક કિસ્સામાં ‘એની ડેસ્ક’ જેવી એપ્સ ડાઉનલોડ કરીને કૌભાંડીઓને પોતાના મોબાઇલનું નિયંત્રણ પણ આપ્યું હતું. મહત્વની જાણકારી મેળવ્યા પછી બદમાશો વ્યક્તિના બેન્ક ખાતામાંથી નાણાંની ઉચાપત કરતા હતા.
અધિકારીના જણાવ્યા અનુસાર દેશભરમાં આવી પદ્ધતિનો ઉપયોગ કરીને હજારો લોકોને ટાર્ગેટ કર્યા હતા. ચોરાયેલા તમામ નાણાં દાદી દ્વારા સંચાલિત ખાતાંમાં જમા કરાતા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, તેના ખાતામાં રોજના પાંચથી 10 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ થતા હોવાનું માલૂમ પડ્યું છે. શહેર પોલીસની ટીમ અત્યારે દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, ઝારખંડ, હરિયાણા અને મહારાષ્ટ્રના અન્ય સ્થળોએ તપાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter