આજે દુનિયાના અનેક દેશોમાં વિકાસના વૃક્ષછેદનની હિચકારી પ્રવૃત્તિએ માઝા મૂકી છે. આપણા જીવનને સ્વસ્થ બનાવવામાં મોટો ફાળો આપનારા વૃક્ષોનું મહત્ત્વ લોકો ભૂલી ગયા છીએ. બહુમતી વર્ગમાં ‘ઝાડ ગયું જગ્યા થઈ’ની માનસિકતા દૃઢ બની છે ત્યારે કેલિફોર્નિયાના સેકોયા નેશનલ પાર્કમાં આવેલું એક વૃક્ષ પર્યાવરણની જાળવણીનો અનોખો સંદેશો આપે છે. એક અંદાજ મુજબ, જનરલ શેર્મન વૃક્ષ (સેક્વોઈઆ-સેક્વોઈઆડેન્ડ્રોન ગીગાન્ટિયમ) લગભગ 2200 વર્ષ જૂનું છે. ઘણા જાણકારોના મતે, આ વૃક્ષ 27 ઇસ્વી સન પૂર્વે એટલે કે, રોમન સામ્રાજ્યના પણ ઉદ્ભવ પહેલા ઉગ્યું હોવાની શક્યતા છે. નેશનલ પાર્ક સર્વિસના જણાવ્યા અનુસાર, આ ઝાડનું વજન 12,24,699 કિગ્રા છે. તે 275 ફૂટ ઊંચુ છે અને તેના થડની આસપાસનો વિસ્તાર 102.6 ફૂટ છે. આ વૃક્ષ અગણિત વન્યજીવોને આશરો આપે છે. જાતભાતના પક્ષીઓ અને ખિસકોલીઓ તેની ડાળીઓમાં માળો બનાવે છે. જંતુઓ છાલ અને છાંયડાવાળી તિરાડોમાં રહે છે. જ્યારે તેના પોષકતત્વો આસપાસના છોડના વિકાસને ટેકો આપે છે. આ વૃક્ષનું નામ 19મી સદીના અમેરિકન જનરલ વિલયમ શેર્મનના નામ પરથી રખાયું છે. આજે આ જનરલ શેર્મન એક માત્ર વૃક્ષ નહીં, પરંતુ પ્રકૃતિના સંરક્ષણની જરૂરિયાતનો સંદેશો આપતું જીવંત સ્મારક છે.


