રોમની પ્રતિષ્ઠિત પલાઝો કોલોનાની ગૈલેરિયા કોલોનાની આ ઝલક શહેરની સમૃદ્ધ કલાત્મક અને વાસ્તુકળાનું જીવંત પ્રતીક છે. તાજેતરમાં જ ઝડપાયેલી આ તસવીર કોલોના પરિવારે સાચવેલી સદીઓ પુરાણી ભવ્યતાને દર્શાવે છે. છેક 12મી સદીથી કોલોના પરિવાર હસ્તક રહેલો આ મહેલ એક ખાનગી નિવાસસ્થાન અને મ્યુઝિયમ છે, જેને સપ્તાહમાં બે દિવસ શુક્રવાર - શનિવારે થોડાક કલાક માટે મુલાકાતીઓ માટે ખોલાય છે. તસવીરમાં જોવા મળતી ગૈલેરિયા કોલોનાની મૂળ ડિઝાઇન આર્કિટેક્ટ એન્તોનિયો ડેલ ગ્રાન્ડેએ તૈયાર કરી હતી. 17મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં તેને જિયાન લોરેન્ઝો બર્નિની, યોહાન પોલ શોર અને કાર્લો ફોન્ટાના જેવા કલાકારોએ તેમની કલાકારીગરીથી ઔર ભવ્યતા બક્ષી હતી.


