રોમમાં ગઠિયાઓએ અમેરિકી દૂતાવાસ વેચી નાંખ્યું

Saturday 21st March 2015 07:36 EDT
 

તમે જમીન-મકાનના વેચાણમાં છેતરપિંડીના તો અનેક કિસ્સા વાંચ્યા હશે, પરંતુ રોમના બે કડદાબાજોએ તો આખેઆખું દૂતાવાસ જ વેચી નાખ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અભિષેક બચ્ચન અને રાની મુખર્જીને ચમકાવતી ફિલ્મ બંટી ઔર બબલીમાં ઠગ જોડીને એક વ્યક્તિને તાજમહેલ વેચી નાખતી દર્શાવાઇ છે. તો આ કિસ્સામાં ગઠિયાઓએ રોમમાં ફરવા આવેલા એક જર્મન પ્રવાસીને પોતાની જાળમાં ફસાવીને ચાર કરોડ રૂપિયાનો અમેરિકી દૂતાવાસનો સોદો કરી નાખ્યો હતો. પ્રવાસી જર્મનીનો હતો તો તેને ઠગનારાં ચારેય પણ જર્મન જ હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
ત્રણ પુરુષ અને એક મહિલાની ઠગ ટોળકીએ જર્મનીના એક બિઝનેસમેન સાથે રોમની ત્રણ જાણીતી ઈમારતોનો કુલ નવ કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. જેમાં દૂતાવાસ ઉપરાંત યુએન ફૂડ એજન્સીનું હેડ ક્વાર્ટર અને પોર્ટ ડી’રોમાં આવેલા શોપિંગ મોલનો સમાવેશ થાય છે. છેતરપિંડીની ઘટના ૨૦૦૮માં બની હતી. ગયા સપ્તાહે જર્મનીના વ્યવસાયીએ રોમની કોર્ટમાં આ ચાર લોકો સામે છેતરપિંડીનો કેસ દાખલ કરતાં આ ચારેય કોર્ટમાં હાજર થયાં હતાં. તેમાં મુખ્ય આરોપી ૫૫ વર્ષનો વોલફાંગ કોલ છે. આ માણસ પ્રવાસી પાસે રિયલ એસ્ટેટ બ્રોકર બનીને આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter