લદાખમાં વિશ્વનો સૌથી ઊંચો માર્ગ

Friday 10th November 2017 07:24 EST
 
 

શ્રીનગર: ભારતે લદાખમાં વિશ્વના સૌથી ઊંચા સ્થળે માર્ગ નિર્માણ કરીને અનોખો વિક્રમ નોંધાવ્યો છે. ચીનની સરહદ નજીક જ સાકાર થયેલા ૮૬ કિલોમીટર લાંબા આ રસ્તાની સૌથી વધુ ઊંચાઈ ૧૯,૩૦૦ ફૂટ છે. વિષમ પરિસ્થિતિમાં પણ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)ના કામદારોએ ધીરજ કામ કરીને દેશને સિદ્ધિ અપાવી છે.  બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશને લદાખની સરહદે વિશ્વનો સૌથી ઊંચો માર્ગ બનાવીને દેશના નામે ઊંચા માર્ગની બાબતે વધુ એક સિદ્ધિ નોંધાવી છે. આ વિસ્તારોમાં ઊંચાઈ ઉપર શિયાળામાં તાપમાન માઈનસ ૪૦ ડિગ્રી થઇ જાય છે. 

સામાન્ય રીતે મેદાની પ્રદેશમાં જે ઓક્સિજન મળતો હોય છે એનાથી અડધો ઓક્સિજન આ વિસ્તારોમાં મળે છે. આવી વિષમ સ્થિતિમાં કામદારોને અનેક શારીરિક-માનસિક ખામી સર્જાવાની શક્યતા હોય છે. આ સંજોગોમાં પણ બીઆરઓના કામદારોએ મક્કમતા બતાવીને દેશહિતમાં આ માર્ગનું નિર્માણ કર્યું છે.
૮૬ કિલોમીટરનો આ માર્ગ ઉમલિંગા નામના સ્થળે ૧૯,૩૦૦ ફૂટની ઊંચાઈ સુધી પહોંચે છે. આટલે ઊંચે મોટર માર્ગ હોય એવી આ વિશ્વની પ્રથમ ઘટના છે. બીઆરઓ પ્રોજેક્ટ હિમાન્ક અંતર્ગત હિમાલયન રેન્જમાં દુર્ગમ પ્રદેશોમાં માર્ગ બનાવે છે. અગાઉ ૧૭,૭૦૦ અને ૧૭,૯૦૦ ફૂટની ઊંચાઈ સુધી ભારતે માર્ગ બનાવવામાં સફળતા મેળવી હતી. આ વખતે તમામ જૂના વિક્રમો તોડીને ૧૯,૩૦૦ ફૂટની ઊંચાઈ ઉપર માર્ગ બનાવવામાં ભારતને સફળતા મળી છે.
આ માર્ગના કારણે હવે લેહથી ૨૩૦ કિલોમીટરના દુર્ગમ પ્રદેશ સુધી ભારત મોટર માર્ગ જોડાયું છે. હાનલે, ચિસુમલે અને ડેમચોક જેવા સાવ સીમાવર્તી ગામડાંઓ આ સડકના કારણે લેહ સાથે જોડાયા છે. આ ગામડાંઓથી ચીનનું અંતર ખૂબ જ ઓછું છે. ચીન સામે વ્યૂહાત્મક રીતે ય ભારત માટે આ માર્ગ બહુ મહત્વનો સાબિત થશે. કટોકટીના સમયે લશ્કરી શસ્ત્રસરંજામની હેરફેર એકદમ આસાન બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter