વાઇલ્ડેસ્ટ વુમનઃ પાંચ દસકાથી નિર્જન ટાપુની પ્રકૃતિનાં રક્ષક

Tuesday 01st September 2026 10:23 EDT
 
 

એટલાન્ટા (જ્યોર્જિયા)ઃ અમેરિકાના જ્યોર્જિયામાં આવેલો કમ્બરલેન્ડ આઇલેન્ડ આજે એક પ્રખ્યાત પ્રાકૃતિક વારસો છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે આ મહામૂલા કુદરતી વારસાને બચાવવા માટે એક મહિલાનું આખું જીવન સમર્પિત રહ્યું છે. અમેરિકાના 84 વર્ષીય જાણીતાં ઈકોલોજિસ્ટ કેરલ રકડેશેલ છેલ્લા 53 વર્ષથી આ નિર્જન ટાપુ પર એકલા રહીને વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે.

વિશાળકાય ફેલાવો
આશરે 36 હજાર એકરમાં ફેલાયેલા આ વિશાળ ટાપુ પર કેરલે પોતાનું જીવન સાપ, કાચબા અને મગર જેવા વન્યજીવોના અભ્યાસ અને રક્ષણ માટે અર્પણ કરી દીધું છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. પ્રાથમિક અને મર્યાદિત સંસાધનો છતાં દસકાઓથી થતેઓ અહીં રહે છે અને તેઓ સતત અહીંની દુર્લભ પ્રજાતિઓનું ડોક્યુમેન્ટેશન કરી રહ્યા છે.
કેરલનું આ જીવન વૈજ્ઞાનિક જિજ્ઞાસા, પ્રકૃતિ પ્રત્યેનો અતૂટ પ્રેમ અને ક્ષેત્રીય અધ્યયનનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. તેમનું માનવું છે કે સામાન્ય રીતે લોકો સાપથી ડરતા હોય છે, પરંતુ વાસ્તવિક ચિંતા તેમના સતત ઘટી રહેલા અસ્તિત્વની હોવી જોઈએ.

ટાપુને બાંધકામોથી બચાવવાની લડાઈ

કેરલ રકડેશેલ માત્ર એક ઇકોલોજિસ્ટ જ નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ માટેનો એક મજબૂત અવાજ પણ છે. તેમણે કમ્બરલેન્ડ આઇલેન્ડને મોટા રિસોર્ટ્સ અને વ્યાવસાયિક નિર્માણ પ્રોજેક્ટ્સથી બચાવવા માટે વર્ષોસુધી સંઘર્ષ કર્યો છે અને આંદોલનો ચલાવ્યા પણ છે. તેમનું દ્રઢપણે માનવું છે કે જો એકવાર આપણો પ્રાકૃતિક વારસો નષ્ટ થઈ જાય, તો તેને કોઈ પણ ભોગે પાછો મેળવી શકાતો નથી. તેમના આ જ અદભુત સમર્પણ અને લડાયક મૂડના કારણે આજે તેમની ગણના અમેરિકાના અગ્રણી પર્યાવરણ સંરક્ષકોમાં થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter