જ્યુરિચઃ સ્વિટ્ઝરલેન્ડની એક કંપની વાયરલેસ ચાર્જિંગ ક્ષેત્રે ક્રાંતિકારી ટેક્નોલોજી વિકસાવવાના આરે છે. વિન્ડક્શન નામની કંપની દ્વારા વિકસાવાઇ રહેલી આ ટેકનોલોજીના ભાગરૂપે રસ્તાની નીચે ખાસ પ્રકારની ચાર્જિંગ પ્લેટ લગાવવામાં આવશે, જેનાથી બસના વિશિષ્ટ ટાયરો દ્વારા બેટરી સુધી વીજળી પહોંચશે.
કંપનીના જણાવ્યા અનુસાર, રસ્તા પરથી બસ સુધી વીજળી પહોંચાડવામાં 90 ટકાથી વધુ કાર્યક્ષમતા જોવા મળી છે. આ વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજીના કારણે બસોમાં મોટી અને ભારે બેટરીઓ લગાવવાની જરૂરિયાત ખૂબ જ ઓછી થઈ જશે. પરિણામે, વાહનનું વજન ઘટશે અને બસ ખરીદવાનો ખર્ચ પણ ઓછો થશે. આ સાથે જ બસમાં મુસાફરો માટે બેસવાની વધુ જગ્યા ઉપલબ્ધ થઈ શકશે.
એક અહેવાલમાં આ સિસ્ટમ કામ કેવી રીતે કરશે તેની વિગતો આપતા જણાવાયું છે કે, રસ્તાની નીચે લાગેલી પ્લેટો વીજળીની મદદથી એક મેગ્નેટિક ફીલ્ડ તૈયાર કરે છે. બસના ટાયરમાં ખાસ પ્રકારની કોઈલ લગાવેલી હોય છે, જે આ ચુંબકીય ઊર્જાને ખેંચીને બેટરી સુધી પહોંચાડે છે. સામાન્ય ટાયરોમાં મજબૂતી લાવવા માટે સ્ટીલના લેયર્સનો ઉપયોગ થાય છે, જે આ મેગ્નેટિક ફિલ્ડ દરમિયાન ખૂબ ગરમ થઈ શકે છે. આ સમસ્યાના નિવારણ માટે કંપની હાલમાં ભાગીદારો સાથે મળીને સ્ટીલ વગરના ખાસ ટાયર તૈયાર કરવા કાર્યરત છે. પર કામ કરી રહી છે. સ્વાભાવિક છે કે આવા ખાસ ટાયરોની કિંમત સામાન્ય ટાયરો કરતા વધારે હશે, પણ નિષ્ણાતો કહે છે કે આની સામે પરંપરાગત બેટરી અને તેના ચાર્જિંગ પાછળ થતાં ખર્ચમાં નોંધપાત્ર ઘટશે.


