વિન્સેન્ટ વાન ગોગનું પેઇન્ટિંગ વેચાયું રૂ. 1700 કરોડમાં!

Tuesday 24th November 2026 06:40 EST
 
 

ન્યૂયોર્કઃ ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગનો જન્મ 1853માં થયો હતો અને માત્ર 37 વર્ષની વયે 27જુલાઈ 1890ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. આ મહાન ચિત્રકારે અવસાનના માત્ર બે મહિના પહેલાં ‘ચેસ્ટનટ ટ્રીસ ઇન બ્લોસમ’ (ચેસ્ટનટના ખીલતાં વૃક્ષ) નામનું એક ચિત્ર બનાવ્યું હતું. આ પેઇન્ટિંગ રેકોર્ડ 19 કરોડ ડોલર એટલે કે અંદાજે 1700 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ સાથે જ હવે વાન ગોગના તમામ ચિત્રોમાં આ સૌથી મોંઘુ ચિત્ર બની ગયું છે.
વિન્સેન્ટ વાન ગોગના આ ચિત્રની હરાજી કરનાર ઓક્શન હાઉસ સોથબીસના એક નિવેદનમાં કહેવાયું હતું કે આ ચિત્રના અગાઉના યહુદી માલિકો અને ચિત્રને વેચનાર વચ્ચે કરાર સંપન્ન થતાં હવે ઓક્શન પૂરું થયેલું જાહેર કરવામાં આવે છે. નાઝી જર્મનીના સમયે પેઈન્ટિંગની લૂંટ થઈ હોવાની વાતથી વાન ગોગની આ કલાકૃતિ વિવાદમાં સપડાઈ હતી.
આ કલાકૃતિના માલિક બ્લેકિઅર એરિએટા પરિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે અમને જણાવતા બેહદ આનંદ થઈ રહ્યો છે કે અમે જેમની પાસે આ ચિત્રની માલિકી હતી તે સેમ્યુઅલ ફિશરના વારસદારો સાથે સમાધાન કરી શક્યા છીએ. જર્મન યહુદી પબ્લિશર સેમ્યુઅલ ફિશરે 1909માં આ ચિત્રની માલિકી મેળવી હતી. એ પછી 1936માં તેના માલિકી હકોના મુદ્દે વિવાદ થયો હતો. 1976થી બ્લેકિઅર એરિએટા પરિવાર પાસે આ ચિત્રની માલિકી હતી, પરંતુ ફિશરના વંશજોએ આ માલિકીને કોર્ટમાં પડકારી હતી અને દાવો કર્યો હતો કે નાઝી જર્મની વખતે દબાણ કરીને આ ચિત્ર તેમના પરિવાર પાસેથી છીનવી લેવાયું હતું. આખરે સોથબીની મધ્યસ્થીથી બંને પક્ષે કરાર થયો હતો.
ડચ પેઈન્ટર વિન્સેન્ટ વાન ગોગે આ ચિત્ર તેના મૃત્યુના બે મહિના પહેલાં જ પૂરું કર્યું હતું. તેમની શ્રેષ્ઠ કલાકૃતિઓમાં છેલ્લી એક સદીથી આ ચિત્ર સ્થાન પામે છે. માલિકી હકના વિવાદો વર્ષો સુધી ચાલ્યા બાદ આખરે આ ચિત્રની રેકોર્ડ હરાજી થઈ છે. વિન્સેન્ટ વાન ગોગના ચિત્રોમાં આ સૌથી વધુ કિંમતે વેચાયેલું ચિત્ર બની ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter