વિશ્વનું સૌથી જૂનું વિમાન ડીસી-૩ પૃથ્વીની પ્રદક્ષિણાએ

Wednesday 29th March 2017 08:09 EDT
 
 

નાગપુરઃ પૃથ્વીની પ્રદક્ષિણાએ નીકળેલું વિશ્વનું સૌથી જૂનું વિમાન ડાકોટા-સી-૪૩એ સોમવારે નાગપુરમાં લેન્ડીંગ કર્યું હતું. માર્ચ ૧૯૪૦માં બનેલું આ વિમાન આજે પણ ચાલુ હાલતમાં એવું જગતનું સૌથી જૂનું વિમાન છે. હાલ સ્વિત્ઝરલેન્ડની કંપની એરોપેશનની માલિકીનું આ વિમાન કરાચીથી રવિવારે રાત્રે રવાના થયું હતું અને નાગપુરમાં લેન્ડીંગ કર્યું હતું. વિશ્વ પ્રવાસે નીકળેલું આ વિમાન આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરશે અને એ દરમિયાન ૫૫ શહેરોમાં લેન્ડીંગ કરશે. નાગપુરમાં રોકાણ એ વિમાનનો ૧૧મો બ્રેક હતો. આ વિમાન અમેરિકન કંપની ડગ્લાસ એરક્રાફ્ટ કંપનીએ ઉત્પાદિત કર્યું છે.

બીજા વિશ્વયુદ્ધ વખતે આ વિમાનોનો વ્યાપકપણે ઉપયોગ થયો હતો. ફ્રાન્સના નોર્મન્ડી ખાતે જર્મની પર થયેલા હુમલા વેળા આ વિમાનોનો ઉપયોગ બોમ્બમારા માટે થયો હતો. ભારત પાસે પણ એક સમયે ડીસી-૩ના ટૂંકા નામે ઓળખાતા આ વિમાનોનો કાફલો હતો. પાકિસ્તાન સામેના ૧૯૪૮ના અને ૧૯૬૫ના યુદ્ધમાં આ વિમાનોએ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. ૩૬ બેઠકો ધરાવતા આ વિમાનનો પ્રવાસ ૯મી માર્ચે જીનીવાથી શરૂ થયો હતો. એ દિવસ આ વિમાનનો ૭૭મો બર્થ-ડે હતો. વિમાનમાં હાલમાં જોકે કુલ ૩ વ્યક્તિ જ પ્રવાસ કરી રહી છે. સ્વિત્ઝરલેન્ડની ઘડિયાળ ઉત્પાદક કંપની બ્રિટલિંગે આ ટુર સ્પોન્સર કરી હોવાથી પ્રવાસનું નામ 'બ્રિટલિંગ ડીસી-૩ વર્લ્ડ ટૂર' રખાયું છે. ૧૯૩૫માં આ વિમાનનું ઉત્પાદન શરૂ કરાયું હતું અને ૧૯૫૦ સુધી એ બનતાં રહ્યા હતા. આ દરમિયાન કંપનીએ કુલ મળીને ૧૬ હજાર જેટલા વિમાનો બનાવ્યા હતા. આ વિમાનનો પ્રવાસ સપ્ટેમ્બર માસમાં જીનીવા ખાતે જ પુરો થશે અને ત્યાં સુધીમાં વિમાને અંદાજે ૪૪,૫૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter