ન્યૂયોર્ક: અમેરિકામાં નક્કર સોનામાંથી બનાવાયેલા એક ટોઇલેટની 18 નવેમ્બરે હરાજી યોજાનાર છે, જેની પ્રારંભિક બેઝ પ્રાઈસ રૂ. 83 કરોડ (આશરે 10 મિલિયન ડોલર) છે. જે દિવસે હરાજી થવાની છે તે દિવસના સોનાના ભાવને ધ્યાનમાં રાખીને તેની બેઝ પ્રાઇસમાં ફેરબદલ થશે. સ્વાભાવિક છે કે વિશ્વનું આ ખૂબ જ કિંમતી ટોઇલેટ છે. તેનો એક વખત ઉપયોગ કરવા માટે તેનું પેકિંગ ખોલાયું હતું. લંડનમાં બનાવાયેલા આ મૂલ્યવાન ટોઈલેટની ન્યૂયોર્કનાં સોથબી ઓક્શન હાઉસ દ્વારા હરાજી થશે. નક્કર સોનાનું આ ટોઇલેટ જાણીતા ઈટાલિયન આર્ટિસ્ટ મોરિઝિયો કેટેલન દ્વારા બનાવાયું છે. રસપ્રદ વાત એ છે કે ટોઇલેટનું નામ ‘અમેરિકા’ રખાયું છે. આ ટોઇલેટને બનાવવા 18 કેરેટના 101 કિલો સોનાનો ઉપયોગ થયો છે, અને તે સારી રીતે ઉપયોગમાં લઈ શકાય તેવું છે.


