શિક્ષક દિનેશભાઇના મોઢામાં ૪૮ વર્લ્ડ રેકોર્ડ સમાયા છે

Saturday 18th July 2015 03:59 EDT
 
 

મુંબઇઃ વધુ પડતું બોલ-બોલ કરવાની ટેવ ધરાવતા લોકોને ‘તેનું મોઢું તો બહુ મોટું છે’ એવું કહીને ઉતારી પાડવામાં આવે છે, પરંતુ દિનેશ ઉપાધ્યાયની વાત અલગ છે. મુંબઈના સબર્બ ગોરેગામમાં રહેતા અને વિજ્ઞાનના શિક્ષક પોતાનું મોઢું મોટું હોવાની વાતે બહુ ગર્વ લે છે. એનું કારણ એ છે કે પોતાના મસમોટા મોઢામાં જાતજાતની વસ્તુઓ ઠૂંસી ઠૂંસીને બે-પાંચ નહીં, પણ પૂરા ૪૮ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે.
આ રેકોર્ડસમાં ૯૨ પેન્સિલો, ૭૯ દ્રાક્ષ, ૧૨ સળગતી મીણબત્તીઓ, ગોલ્ફના પાંચ દડા, ૨૦૮ ચોપસ્ટિક્સ, ટેબલટેનિસના છ દડા, ૧૪ કસનળીઓ વગેરેનો સમાવેશ થાય છે. આવી વસ્તુઓ તે પોતાના મોઢામાં ઠૂંસીને એક મિનિટ સુધી રાખી શકે છે. તાજેતરમાં તેમણે ૧૦૦૧ સ્ટ્રો પોતાના મોંમાં રાખીને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને સાથોસાથ ‘મેક્સિમાઉથ’ જેવું ઉપનામ પણ મેળવ્યું છે. આવું પરાક્રમ કર્યા પછી અવારનવાર તેમના હોઠ અને પેઢામાં સોજો આવી જાય છે, પણ દિનેશભાઇ પ્રેક્ટિસ કરવાનું છોડતા નથી.
છ ફૂટ છ ઈંચની બચ્ચનછાપ હાઈટ ધરાવતા દિનેશ ઉપાધ્યાય કહે છે કે મોઢામાં મેક્સિમમ વસ્તુઓ ઠૂંસવાના તમામ રેકોર્ડ મારે પોતાના નામે કરી લેવા છે. દિનેશભાઈ પોતાની આ અનોખી ટેલેન્ટને વિક્સાવવા માટે ૨૦૧૦થી પ્રેક્ટિસ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter