શિક્ષણપ્રેમી પ્રોફેસરનો જુસ્સોઃ બે-ચાર નહીં 150 ડિગ્રી!

Wednesday 19th November 2025 06:16 EST
 
 

ચેન્નઇઃ મહાનગરના પ્રોફેસર ડો. વી.એન. પાર્થિબન એવા વ્યક્તિ છે જેમણે શિક્ષણને માત્ર લક્ષ્ય નહીં, પરંતુ જીવનયાત્રા બનાવી દીધી છે. તેમને લોકો પ્રેમથી ‘મ્યુઝિયમ ઓફ ડિગ્રી’ તરીકે ઓળખે છે, કારણ કે તેમના પાસે હાલ 150થી વધુ ડિગ્રી અને ડિપ્લોમા છે. તેમની કહાની એક નાની પણ દૃઢ પ્રતિજ્ઞાથી શરૂ થઈ હતી. પ્રથમ ડિગ્રી મુશ્કેલીથી પાસ કર્યા બાદ તેમણે પોતાની માતાને વચન આપ્યું હતું કે હવે તેઓ ફક્ત પાસ નહીં થાય, પરંતુ હંમેશા ઉત્તમ પરિણામ લાવશે. અને તેમણે માતાને આપેલું વચન સાકાર કરી બતાવ્યું છે.
આ પ્રતિજ્ઞાએ તેમને છેલ્લા ચાર દાયકાથી સતત અભ્યાસરત રાખ્યા છે. વર્ષ 1981થી આજ સુધી તેઓએ ક્યારેય અભ્યાસ છોડયો નથી. ડો. પાર્થિબન પાસે ઈકોનોમિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પોલિટિકલ સાયન્સ અને કાયદા જેવા વિષયોમાં અનેક માસ્ટર ડિગ્રી છે. તેઓએ અત્યાર સુધી 12 એમ.ફિલ. ડિગ્રી મેળવી છે અને હાલમાં ચોથી વખત પીએચ.ડી કરી રહ્યા છે. શિક્ષણ પ્રત્યેનો તેમનો જુસ્સો માત્ર ડિગ્રી મેળવવા પૂરતો નથી. તેઓ પોતાની આવકનો 90 ટકા ભાગ અભ્યાસમાં ખર્ચે છે અને અનેક સંસ્થાઓમાં શિક્ષણ આપે છે.
હવે 200 ડિગ્રીનું લક્ષ્ય
ડો. પાર્થિબનનો મજબૂત વિશ્વાસ છે કે ‘મર્યાદાઓ ફક્ત મનમાં જ હોય છે’. 150 ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પણ તેમનું લક્ષ્ય હવે 200 ડિગ્રી સુધી પહોંચવાનું છે. ડો. પાર્થિબનનો જીવનપ્રવાસ સાબિત કરે છે કે શિક્ષણ ફક્ત ડિગ્રી મેળવવાની પ્રક્રિયા નથી, પરંતુ તે આખા જીવનનો હેતુ બની શકે છે. તેઓ દરેક વિદ્યાર્થી અને શિક્ષક માટે પ્રેરણાસ્રોત બની રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter