શિરડીમાં સાઈભક્તો ચાલશે એટલે વીજળી પેદા થશે

Tuesday 06th June 2017 11:14 EDT
 
 

મુંબઇઃ શિરડીમાં આવેલા સાઈબાબાના મંદિરમાં ટૂંક સમયમાં ભક્તોના ચાલવાથી પ્રકાશ ફેલાશે. શ્રી સાઈબાબાના સંસ્થાન ટ્રસ્ટે એક પ્રાઈવેટ કંપની સાથે મળીને ફૂટ એનર્જી તૈયાર કરાવવાનો નિર્ણય કર્યો છે. પ્રાઈવેટ પ્રોજેક્ટ અંતર્ગત ભક્તોના માર્ગમાં એવાં સાધનો લગાવવામાં આવશે જે દબાવાથી વીજળી ઉત્પન્ન થશે. દેશમાં પ્રથમ વખત આવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

આ અનોખી પદ્ધતિથી દરરોજ અંદાજે ૨૦૦ બલ્બ અને ૫૦ પંખા ચલાવી શકાય તેટલી વીજળીનું ઉત્પાદન કરી શકાશે. આ સિવાય અહીં એકત્ર થતા કચરામાંથી પણ ગેસ અને વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. રસ્તામાં લગાવેલા પેન્ડલમાં મોશન સેન્સર લાગેલાં છે. તેના પર જેવો કોઈ પગ મૂકશે કે તુરંત નીચેની તરફ શિફ્ટ થશે જેના કારણે નીચે લાગેલા ફૂટ એનર્જી કન્વર્ટર ડિવાઈસ ફૂટ ઈમ્પેક્ટ એનર્જીને વીજળીમાં પરિવર્તિત કરશે.

સંસ્થાના અધ્યક્ષ ડો. સુરેશ હાવરેએ જણાવ્યું છે કે, ભક્તોના રસ્તામાં ૨૦૦ પેડલ લગાવવામાં આવશે. જેમ જેમ લોકો આગળ વધતા જશે તેમ તેમ પેડલ દબાશે અને તેનાથી વીજળી ઉત્પન્ન થશે. તેમણે જણાવ્યું છે કે, આ એક પેડલની કિંમત રૂ. એક લાખ છે. પરંતુ સંસ્થાને પ્રોજેક્ટ માટે કોઈ ખર્ચ નહીં કરવો પડે. જે કંપની સાથે પ્રોજેક્ટ કરવામાં આવે છે તે બીઓટી (બિલ્ટ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર)ના આધાર પર કામ કરે છે.

આગામી બે મહિનામાં પ્રોજેક્ટની ટ્રાયલ શરૂ થશે. ઉપરાંત શિરડીમાં રોજ એકત્ર થતાં ૨૦ ટન કચરાનો ઉપયોગ પણ ગેસ અને વીજળી બનાવવા માટે કરવામાં આવશે. હાવરેના જણાવ્યા પ્રમાણે, પ્રોજેક્ટ એવો હશે કે જેને રાજ્યનું દરેક મ્યુનિલિપલ કોર્પોરેશન તેમના કચરાનો નિકાલ કરવા માટે અનુસરશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter