દહેરાદૂનઃ જાણીતા લેખક રોબિન શર્માની બેસ્ટ સેલર પુસ્તક ‘મોન્ક હુ સોલ્ડ હીઝ ફેરારી’માં ફેરારી વેચીને ધર્મને માર્ગે ચાલનારા વ્યક્તિની વાત કરવામાં આવી છે. રોબિન શર્માના પુસ્તક જેવો જ કિસ્સો ઉત્તરાખંડમાં જોવા મળી રહ્યો છે. 41 વર્ષીય જાપાની બિઝનેસમેને શિવભક્તિમાં લીન થઈને બિઝનેસ સામ્રાજ્યને બાય બાય કર્યું છે.
હોશી તકાયુકી નામના આ મહાશય એક સમયે જાપાનની રાજધાની ટોક્યોમાં 12 બ્યુટી બ્રાન્ડના માલિક હતા. આજે લોકો તેઓ ‘બાલા કુંભ ગુરુમુનિ’ના નામે ઓળખાય છે. 20 જાપાની અનુયાયીઓ સાથે તેમણે તાજેતરમાં જ સંપન્ન થયેલી કાવડ યાત્રામાં પણ ભાગ લીધો હતો. તેઓ દહેરાદૂનમાં સાથી કાવડિયાઓ સાથે ખુલ્લા પગે ગંગાજળ લેવા જતા જોવા મળ્યા હતા.
હોશી તકાયુકીની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત 20 વર્ષ પહેલા તમિલનાડુમાં નાડી જ્યોતિષથી થઈ હતી. જેમાં તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમણે આ પહેલાનો જન્મ હિમાલયમાં હિન્દુ આધ્યાત્મિક સંત તરીકે ગાળ્યો હતો. આ ભવિષ્ય કથન બાદ તેમને એક સપનું આવ્યું હતું. જેમાં, તેમણે પોતાને ઉત્તરાખંડના ગામમાં જોયા હતા. બસ, ત્યારબાદથી તેમણે લાખોનું ટર્નઓવર ધરાવતો બિઝનેસ છોડીને ભક્તિ માર્ગ પસંદ કર્યો છે.