શું તમે પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલા બિસ્કિટ ખાશો?

Tuesday 22nd September 2026 09:19 EDT
 
 

સ્પ્રિન્ગફિલ્ડઃ કોઇ તમને કહે કે લો પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલા આ બિસ્કિટ ખાવ..! તો તમારો પહેલો પ્રતિભાવ શું હશે? પ્લાસ્ટિક બોટલમાંથી બનેલી કૂકી ખાવાનો વિચાર ભલે તમને અજીબ કે માન્યામાં ન આવે તેવો લાગે, પણ વૈજ્ઞાનિકો આ વાતને હકીકતમાં બદલવાની તૈયારી કરી રહ્યા છે. કાર્બનડેલમાં આવેલી સધર્ન ઇલિનોય યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક અનોખી તકનીક વિકસાવી છે, જેના દ્વારા પીઇટી પ્લાસ્ટિકને ખાવા યોગ્ય પૌષ્ટિક આહારમાં રૂપાંતરિત કરી શકાય છે.
આ પ્રક્રિયામાં પ્લાસ્ટિકને પાણી અને ઓક્સિજનની મદદથી ઉચ્ચ તાપમાન તથા દબાણ હેઠળ નાના કાર્બન સંયોજનોમાં તોડવામાં આવે છે. ત્યારબાદ જીનેટિકલી મોડિફાઈડ યીસ્ટનો ઉપયોગ કરીને આ સંયોજનોને પ્રોટીન, ફેટ અને અન્ય જરૂરી પોષક તત્વોમાં બદલવામાં આવે છે. છેલ્લે, આ મિશ્રણમાં સ્ટાર્ચ ઉમેરીને થ્રી-ડી પ્રિન્ટર વડે બિસ્કિટ અથવા કૂકીનો આકાર અપાય છે.
આ પ્રોજેક્ટ ‘નાસા’ની ડીપ સ્પેસ ફૂડ ચેલેન્જનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેનો મુખ્ય હેતુ મંગળ જેવા લાંબા અંતરિક્ષ મિશન દરમિયાન ભોજન પૂરો પાડવાનો છે.
માનવ પરીક્ષણ, મંજૂરીની રાહ
અલબત્ત, આ કૂકીઝને હજુ સુધી કોઈ માણસે ચાખ્યાં નથી અને તેના માનવ પરીક્ષણ માટે જરૂરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે સંશોધકો જણાવે છે કે તેની સુગંધ તો ખૂબ જ સરસ છે. વર્તમાન સમયમાં આ સ્પેસ ફૂડ તૈયાર કરવાનો ખર્ચ પ્રતિ કિલો 60 ડોલરે જેટલો આવે છે. જોકે, ભવિષ્યમાં ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter