લીમાઃ સધર્ન અમેરિકાના પેરુ દેશમાં 1920ના દાયકામાં આશરે 300 જેટલા વિચિત્ર, શંકુ આકારના મમીના ખોપરીના અવશેષો મળ્યા હતા, જે ‘પેરાકાસ સ્કલ્સ’ તરીકે જાણીતા છે. આશરે 2000 વર્ષ જૂની ખોપરીઓના રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે તાજેતરમાં વર્જિનિયાની લિબર્ટી યુનિવર્સિટીના સંશોધકો દ્વારા એક નવો ડીએનએ ટેસ્ટ કરાયો હતો. જોકે, આ ટેસ્ટના પરિણામો પણ અનિર્ણાયક રહ્યા છે, જેના કારણે આ મમી ‘એલિયન’ (પરલોકવાસીઓના) હોવાના દાવાઓને ફરીથી બળ મળ્યું છે.
અગાઉના અભ્યાસો મુજબ, પ્રાચીન સમયમાં બાળપણથી જ માથાને કપડાં કે લાકડાંના પાટિયા વડે બાંધીને કૃત્રિમ રીતે આવો આકાર અપાતો હતો, જેને ‘ક્રેનિયલ બાઈન્ડિંગ’ કહે છે.
બીજી તરફ, આ અવશેષો ખૂબ જૂના હોવાને કારણે ડીએનએ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે, જેથી આ ખોપરીઓ એલિયનની જ છે તે અંગે વૈજ્ઞાનિક રીતે નકારી શકાયું નથી. હવે વૈજ્ઞાનિકો ‘ડીમિનરલાઈઝેશન’ નામની નવી ટેકનિક દ્વારા વધુ સારા ડીએનએ મેળવીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.


