વોશિંગ્ટનઃ સેલ્ફ-ડ્રાઇવ કારથી માંડીને સેટેલાઇટ થકી ઇન્ટરનેટ જેવી ક્રાંતિકારી ટેકનોલોજી લાવવા માટે જાણીતા એલન મસ્ક હવે ઓટોમોબાઇલ ક્ષેત્રે નવતર કૌતુક લઇને આવ્યા છે. મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ ન્યૂ જનરેશન સ્પોર્ટ્સ કાર રોડસ્ટરના લોન્ચિંગની જાહેરાત કરી છે. આ કાર રસ્તા પર તો દોડશે જ, પરંતુ તમે ઇચ્છશો તો તેને ઉડાડી પણ શકશો! આ કારના જારી થયેલા વીડિયોમાં મસ્ક કહે છે તેમ સ્પેસએક્સ રોકેટ સાથે સંકળાયેલી થ્રસ્ટર ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. જેની મદદથી કાર હવામાં ઊંચકાઈ શકે છે. અને હવામાં દિશા બદલીને કરતબ પણ કરી શકે છે.
આ અનોખી કારના ત્રણ વર્ઝન લોન્ચ કરાશે: પરફોર્મન્સ, થ્રસ્ટ અને રોકેટ. પરફોર્મન્સ વર્ઝનમાં એરોડાયનેમિક સિસ્ટમ અને કારને જમીન સાથે ચીપકી રાખવામાં મદદ કરતી સક્શન સિસ્ટમ આપવામાં આવી છે. થ્રસ્ટ વર્ઝનમાં આ ફીચર્સ ઉપરાંત કોલ્ડ-ગેસ થ્રસ્ટર્સ આપવામાં આવ્યા છે. રોકેટ વર્ઝનમાં કારની આસપાસ કુલ 10 થ્રસ્ટર્સ ગોઠવવામાં આવ્યા છે, જે તેને હવામાં ઊંચકાવા, દિશા બદલવા અને કંટ્રોલ્ડ કરતબો કરવામાં મદદ કરે છે.
થ્રસ્ટ વર્ઝન માત્ર 0.81 સેકન્ડમાં એટલે કે આંખના પલકારાથી પણ ઓછા સમયમાં 0 થી 97 કિમીની સ્પીડ પકડી શકે છે. જ્યારે કારની ટોપ સ્પીડ 370 કિમી પ્રતિ કલાકથી વધુ છે.
કોઇને પણ સવાલ થાય કે રોકેટની ટેકનોલોજી કારમાં કેવી રીતે કામ કરશે? રોકેટ એન્જિનને બદલે ઊંચા દબાણ હેઠળ ગેસ છોડીને થ્રસ્ટ ઉત્પન્ન કરતી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેસને અલગ-અલગ દિશામાં છોડવાથી કારને આગળ ધકેલવા, હવામાં ઊંચકવા અને તેની દિશા બદલવા માટે પાવર મળે છે. આ સિસ્ટમ સ્પેસએક્સના અવકાશયાનોમાં ઉપયોગમાં લેવાતી થ્રસ્ટર ટેકનોલોજીના સિદ્ધાંત સાથે સંબંધિત છે. જોકે, આ કાર હવામાં ઊંચકાઈ શકે છે તેનો મતલબ એ તે વિમાન કે હેલિકોપ્ટરની જેમ લાંબા સમય સુધી ઊડી શકે છે એવું નથી. હાલના વીડિયોમાં તો ટૂંકા સમય માટે હવામાં ઊંચકાવાના, થોડુંક અંતર ઉડવાની અને નિયંત્રિત કરતબ કરવાની ક્ષમતા દર્શાવવામાં આવી છે.


