લખનઉઃ ભારતમાં આજકાલ નીટ-યુજીની પરીક્ષા પેપર લીક થવાના કારણસર ચર્ચામાં છે, પરંતુ આપણે વાત કરવી છે આ જ પરીક્ષાના એક એવા પરીક્ષાર્થીની જે સહુકોઇ માટે પ્રેરણાદાયી બની શકે છે. મેડિકલ કોલેજમાં એડમિશન માટે લેવાતી રાષ્ટ્રીય સ્તરની આ પરીક્ષા (જે હવે રદ થઇ છે) વેળા ઉત્તરપ્રદેશના લખનઉ સેન્ટર પર અનેક યુવા પરીક્ષાર્થી ઉમટ્યા હતા પણ તે બધામાં 71 વર્ષીય અશોક બહાર સહુ કોઇનું ધ્યાન ખેંચતા હતા. 71 વર્ષની વયે મેડિકલ કોલેજ માટે એન્ટ્રન્સ ટેસ્ટ?! હા... અશોકભાઈ માટે આ કારકિર્દીનો વિકલ્પ નથી, પરંતુ તેમના સ્વર્ગસ્થ માતાની દાયકાઓ જૂની અંતિમ ઈચ્છા પૂરી કરવાનો એક નિષ્ઠાવાન પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે, જીવનની વ્યસ્તતાને કારણે યુવા વયે ડોક્ટર બની શક્યો નહોતો, પરંતુ હવે માતાના સંકલ્પને પૂરો કરવા ફરી અભ્યાસ શરૂ કર્યો છે. વર્ષોના અનુભવને કારણે તેમને તબીબી ક્ષેત્રનું જ્ઞાન તો મેળવ્યું છે, પરંતુ અધિકૃત રીતે દવાઓ લખવા માટે તેમની પાસે ડિગ્રી નથી, જે તેઓ હવે મેળવવા માંગે છે. આ અનોખી સફરમાં તેમને તેમના પત્ની (જે ખુદ ગાયનેકોલોજિસ્ટ છે) અને ડોક્ટર સંબંધીઓનો પૂરો સહયોગ મળી રહ્યો છે. અશોક બહારનો આ જુસ્સો સાબિત કરે છે કે સપનાં પૂરા કરવાની કોઈ નિશ્ચિત ઉમર હોતી નથી.


